Gujarat

શ્રીફળ હાઇટ્સમાં ગમે ત્યારે આગની દુર્ઘટના ઘટવાની શક્યતાઃ સીએમને ફરિયાદ કરાઇ

શહેરના કુડાસણ વિસ્તારમાં સરદાર ચોક પાસે આવેલી શ્રીફળ હાઇટ્સ સોસાયટીમાં માર્જીનની જગ્યામાં ગેરકાયદે બાંધકામ કરીને ત્યાં રસોઇ કરવામાં આવતી હોવાથી ગમે ત્યારે રાજકોટ ટીઆરપી મોલ જેવી દૂર્ઘટના સર્જાવાની દહેશત વસાહતીઓએ વ્યક્ત કરી છે.

આ મામલે ગાંધીનગર મહાનગરપાલિકા દ્વારા કોઇ કાર્યવાહી કરવામાં નહીં આવતા સોસાયટીએ મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલને લેખિત ફરિયાદ કરી છે.

શ્રીફળ હાઇટ્સ કો- ઓપરેટીવ હાઉસીંગ સોસાયટીના સેક્રેટરીએ જણાવ્યું કે સોસાયટીમાં આવેલી 14 નંબરની દુકાનના માલિકે તે દુકાન પ્રદિપભાઇ સુખડીયાને ભાડે આપી છે અને તેઓ જે.પી. સુખડીયાના નામે ધંધો કરી રહ્યા છે.

તેઓ સોસાયટીની કોમન જગ્યામાં રસોઇકામ કરે છે. જેની મહાનગરપાલિકામાં ઓનલાઇન ફરિયાદ અગાઉ કરી હતી પરંતુ તે વખતે માત્ર ગણાવવા ખાતર કેટલુંક દબાણ દૂર કરવામાં આવ્યું હતું પરંતુ મુખ્ય દબાણ દૂર કરવામાં નહીં આવતા ફરીથી પત્ર વ્યવહાર કરવામાં આવ્યો હતો. તેમ છતાં મહાનગરપાલિકાના અધિકારીઓએ માત્ર સ્થળ તપાસ કરી નોટીસ આપીને સંતોષ માન્યો હતો.