અમદાવાદની આગવી ઓળખ સમાન દાયકાઓનું ગૌરવવંતો ઇતિહાસ ધરાવતી AMTS (લાલ બસ)નું ખાનગીકરણ કર્યા બાદ બસ સેવા ખાડે ગઈ છે. ધીમે ધીમે કલંકિત બની રહી છે. કેમ કે, લાલ બસ યમદૂત બનીને છેલ્લા 13 વર્ષમાં 171થી વધુ લોકોના ભોગ લીધો છે.
નાના-મોટા 7283 જેટલા અકસ્માત શહેરના માર્ગો પર સર્જાયા છે. એટલે કે સરેરાશ દરરોજ બે અકસ્માત થઈ રહ્યા છે તેવું માનવ અધિકાર ગ્રુપના પ્રમુખ અને પૂર્વ મ્યુનિસિપલ કાઉન્સિલર જયોર્જ ડાયસ સતાવાર યાદીમાં જણાવ્યું છે.
BRTS દ્વારા વારંવાર જીવલેણ અકસ્માતો
વધુ જણાવ્યા અનુસાર અમદાવાદ શહેરના માર્ગો પર બેફામ ઝડપે દોડતી લાલ બસો અને BRTS દ્વારા વારંવાર જીવલેણ અકસ્માતો કરવામાં આવી રહ્યા છે. ખાસ કરીને ખાનગી ઓપરેટરોના તાલીમ વગરના અને બેદરકાર ચાલકો દ્વારા આવા અકસ્માતો વધારે થાય છે.
ખાનગી ઓપરેટરો સત્તાધીશોના મળતિયા હોવાથી આટલી મોટી સંખ્યામાં ગંભીર અકસ્માતો થઈ રહ્યા હોવા છતાં કોઈ નક્કર પગલા લેવામાં આવતા નથી.
AMTS બસની બ્રેક ફેલ થતાં 8 વાહન અડફેટમાં
અમદાવાદની આગવી ઓળખ સમાન લાલ બસ AMTSનું ખાનગીકરણ કર્યા બાદ તંત્ર ખાડે ગયું છે. ખાનગી પરિવહન એજન્સીના ડ્રાઈવરો બેફામ બન્યા છે. કોઈ નશાની હાલતમાં બસ ચલાવે છે, તો કોઈ જાણે કે ટ્રાફિકના નિયમો જાણતા ન હોય તેમ લાલ બત્તી હોવા છતાં સડસડાટ નીકળી જાય છે.
શહેરના મણિનગર ભોળાભાઈ પાર્ક ખાતે જાહેર માર્ગ ઉપર લાલ બસ દ્વારા એક સ્કૂટર ચાલકને મારેલી ટક્કર અને નિધનના પગલે શહેરીજનો સવાલ કરી રહ્યા હતા ત્યાં તો બીજો એક ગંભીર અકસ્માત રવિવારે જોધપુર ચાર રસ્તા, સ્ટાર બજાર પાસેની ઘટનામાં AMTS બસની બ્રેક ફેલ થતા 8 જેટલા વાહનોને અડફેટમાં લીધા હતા.અકસ્માત ગંભીર હતો સદનસીબે કોઈ જાન હાની થઈ ન હતી.
અકસ્માતના પગલે સવાલ
અકસ્માતના પગલે શહેરીજનો સવાલ કરી રહ્યા છે કે આવા બેફામ ડ્રાઇવરો પર નિયંત્રણ ક્યારે મુકાશે? AMTS પાસે વહીવટ હતો, ત્યારે દેખરેખ અને નિયંત્રણ રહેતું હતું. પરંતુ ખાનગીકરણ બાદ AMTSનું તંત્ર બેફિકર બની ગયું છે અને તેનો ભોગ શહેરીજનો બની રહ્યા છે.
આ અંગે ખાનગી બસોના ડ્રાઇવર નિયમિત બ્રેથ ચેકિંગ થાય, ટ્રાફિક નિયમોનું સમજણ આપી તાકીદ કરવામાં આવે, ડેપોમાં દરેક બસોનું ચેકિંગ થાય પછી જ માર્ગ ઉપર નીકળે, દરેક બસ સ્ટેન્ડ ઉપર બસ ઊભી રાખે અને નિયંત્રિત ગતિમાં બસ ચલાવે તેની ખાસ તાલીમ આપવામાં આવે તે જરૂરી છે.
આ અંગે રાજય મુખ્યમંત્રી, શહેરી વિકાસ સચિવ , મ્યુનિસિપલ કમિશનર,મેયર ,સ્ટેન્ડની કમિટીના ચેરમેન , એ.એમ.ટી.એસ. કમિટીના ચેરમેન અને ટ્રાન્સપોર્ટ મેનેજર સમક્ષ વારંવાર રજૂઆતો છતાં કોઈ નક્કર પગલાં ભરવામાં ન આવતા ગંભીર અકસ્માતો થઈ રહ્યા છે. જેની નૈતિક જવાબદારી સ્વીકારી AMTS કમિટીના ચેરમેનને તાત્કાલિક અસરથી રાજીનામું આપે તેવી અમારી માગ છે. AMTSનું ખાનગીકરણ તાત્કાલિક હટાવી પુન:સરકારી કરણ કરવા માગણી કરી છે.