Gujarat

વહેલી સવારથી વાદળછાયાં વાતાવરણ વચ્ચે મેઘસવારી અંજાર આવી પહોંચી, સ્સ્તાઓ ઉપર પાણી વહેવા લાગ્યા

અંજારમાં આજે સવારથી વાદળછાયાં વાતાવરણ વચ્ચે મેઘસવારી આવી પહોંચી હતી. મેઘરાજા વરસતાં નાગરિકોએ વરસાદનો આનંદ માણ્યો હતો. બે કલાક સુધી વરસેલા વરસાદને લઈને શહેરની મુખ્ય બજાર સહિતના વિસ્તારના રસ્સ્તાઓ ઉપર પાણી વહી નીકળયાં છે.

દર વર્ષે પાલિકા દ્વારા વરસાદી પાણી નિકાલ માટે માતબર રકમનો ખર્ચ કરવામાં આવે છે, છતાં સંકુલના અનેક નિચાણવાળા વિસ્તારમાં પાણીનો ભરાવો થયો હોવાની વર્ષો જૂની ફરિયાદનું વધુ એક વખત પુનરાવર્તન થયું હતું.

પાલિકા દ્વારા પાણી અને ગટરલાઈનના કામ માટે ઠેર-ઠેર ખોદકામ બાદ એજન્સી દ્વારા આ ખાડાઓને યોગ્ય રીતે ન પૂરાતાં સવાર સવારમાં સ્કુલ વાહન સહિત વાહનચાલકોને ભારે હાલાકી વેઠવી પડી હતી. ગરમી અને ઉકળાટને હાંકી કાઢવા સજ્જ થયેલા મેઘરાજાએ શહેરના વિવિધ માર્ગો, તળાવની સામેની શાક માર્કેટ વિ. વિસ્તારોમાં રાબેતા મુજબ પાણી ભરાઈ ગયાં હતાં.

અંજાર તાલુકાના મેઘપર (બોરીચી) અને મેઘપર (કુંભારડી) વિસ્તારમાં પણ આશરે દોઢથી બે ઈંચ પાણી વરસ્યું છે, અંજાર શહેર-તાલુકાના ગ્રામ્ય વિસ્તારમાં દોઢથી બે ઇંચ અંજાર શહેરમાં ગતરોજ દિવસભર વરસાદી માહોલ બાદ સાંજે છથી આઠ વચ્ચે એક ઇંચ અને દિવસ દરમ્યાન 11 એમ.એમ. વરસાદ થતાં કુલ દિવસ દરમ્યાન 26 એમ.એમ. તેમજ અગાઉનો 68 એમ.એમ. સાથે સિઝનનો વરસાદ 103 એમ.એમ. (4 ઇંચ) જેટલો થયો છે.

વહેલી સવારથી જ સખત ગરમી બાદ સવારે હળવા ઝાપટા થી શહેરના મુખ્ય માર્ગો પર જોશભેર પાણી વહી નીકળ્યાં હતાં. તાલુકાના મેઘપર મધ્યે આવેલી રાધાનગર સોસાયટીમાં વરસાદી પાણી લોકોના ઘરો સુધી પહોંચ્યાં હોવાનું ત્યાંના રહેવાસીઓએ જણાવ્યું હતું. તાલુકાના ગ્રામ્ય વિસ્તાર ખેડોઇ, સિનુગ્રા, ખંભરા, નાગલપર, પાંતિયા, ભુવડ, સતાપર, લાખાપર, રતનાલ, ચાંદ્રાણી વિગેરે વિસ્તારમાં વરસાદથી તળાવોમાં, ડેમોમાં નવાં નીર આવ્યાં હતાં. શહેર મધ્યે સવાવર તળાવમાં પણ જોશભેર પાણીની આવ ચાલુ થઇ ગઇ છે.