Gujarat

આગામી 31 મીથી ઘેર-ઘેર સંસ્કાર આપો અને માનવતાનો બોધ આપતી ઐતિહાસિક મોટામિયાં માંગરોળની ગાદીના ઉર્સ મેળાનો પ્રારંભ થશે

ઘેર-ઘેર સંસ્કાર આપો, ઘેર- ઘેર ગાય પાળો, કોમી એકતા, ઘેર ઘેર સંસ્કાર શિક્ષણ, આધ્યાત્મિક પ્રગતિ, માનવતા, વ્યસનમુક્તિ ઘેર-ઘેર વૃક્ષ વાવો તેમજ કન્યા કેળવણીનો બોધ આપતી પરંપરાગત ઐતિહાસિક બિનરાજકીય મોટામિયાં માંગરોળની દરગાહ શરીફમાં હાલના એકમાત્ર સજજાદાનશીન-ગાદીપતિ હિઝ હોલીનેસ ખ્વાજા સલીમુદ્દીન ફરીદુદ્દીન ચિશ્તીએ એજ પરંપરા જાળવી રાખી પૂર્વજોની ઢબે રાજકારણથી દૂર રહી સેવા કાર્ય કરી રહ્યા છે.
દર વર્ષે ગુજરાતી તિથિ મુજબ પોષ સુદ એકમથી ઉર્સ મેળાનું આયોજન થાય છે. | આ વર્ષે મેળો તારીખ ૩૧/૧૨/ ૨૦૨૪ના મંગળવારથી શરૂ થશે તથા તારીખ ૦૧/૦૧/૨૦૨૫ના બુધવારના રાત્રે ચિરાગી થશે તથા રાબેતા મુજબ પંદર દિવસ સુધી ચાલશે. તારીખ ૩૧/૧૨ / ૨૦૨૪ના મંગળવારના રોજ  હાલના ગાદીપતિ પીર સલીમુદ્દીન ફરીદુદ્દીન ચિશ્તી પોતાના રહેઠાણ પાલેજથી મોટામિયાં માંગરોળ આવશે જ્યાં તેઓનું સ્વાગત કરવામાં આવશે.
તારીખ ૩૧ ના ૩:૩૦ કલાકે વર્તમાન ગાદીપતિ પીર સલીમુદ્દીન ફરીદુદ્દીન ચિશ્તીના મુબારક હસ્તે સંદલ શરીફની વિધિ થશે તેમજ ભાઈચારો, કોમી  એકતા માટે વિશેષ દુવાઓ પણ  થશે. ઉર્સ દરમિયાન કોમી એકતાના ભજન અને મહેફિલે સમા જેવા કાર્યક્રમ થશે. અહીં વિવિધ કોમના લોકો ભેગા મળી કોમી એકતાનું ઉદાહરણ પુરું પાડે છે,
આ ગાદી પ્રેરિત ચાલતા ગ્લોબલ સૂફી પીસ એન્ડ રિસર્ચ ફાઉન્ડેશન દ્વારા શિક્ષણ, આરોગ્ય, અધ્યાત્મ તથા સમાજ સેવાના અનેક કાર્યો થઈ રહ્યા છે, શિક્ષણક્ષેત્રે આધુનિક કેમ્પસમાં અંગ્રેજી માધ્યમની સીબીએસઇ શાળા પણ ચાલે છે. ઉર્સ મેળા દરમિયાન અહીં ચિશ્તીયા નગર કમ્પાઉન્ડ ખાતે વિવિધ પ્રકારની ચગડોળ તથા મનોરંજનના સાધનો અને ખાણીપીણીના સ્ટોલો આકર્ષણનું કેન્દ્ર બને છે, જેનો અનેક લોકો લાભ ઉઠાવે છે.