મ્યુનિ.એ આર્યમાન બંગલોઝથી હેબતપુર ગામ સુધીનો અંદાજે 1.20 કિમીનો રોડ, એરોઝ ફૂડથી ફ્લોરેન્સ એટ-9 બોડકદેવ સુધીનો 1 કિમીનો રોડ અને નારોલ ટર્નિંગથી સદાની ધાબા સુધીનો 1.5 કિમીનો રોડ 24 કલાકમાં તૈયાર કરી દીધો છે.
આર્યમાન બંગલોઝથી હેબતપુર ગામ સુધીનો રોડ તૈયાર થઈ જતાં શીલજના રહીશોએ સાયન્સ સિટી જવા માટે 2 કિમી ફરવું પડશે નહીં અને આ કનેક્ટિવિટીથી સીધા જઈ શકશે. એ જ રીતે એરોઝ ફૂડથી ફ્લોરેન્સ એટ-9 બોડકદેવ સુધીનો રોડ બની જતાં સરખેજથી બોપલ કે આંબલી રોડ જતા વાહનચાલકોએ વાયએમસીએ ક્લબ આવી ત્યાંથી બોપલ કે આંબલીનો રોડ પકડવો પડશે નહીં.
હવે એલ.જે. કોલેજ પાસેથી આ રોડની કનેક્ટિવિટી મળી જતાં તેમણે પણ લાંબું ફરવું પડશે નહીં. ઔદ્યોગિક વિસ્તાર ધરાવતા નારોલથી ટર્નિંગ સદાની ધાબા સુધી જશોદાનગર તરફનો હયાત રોડ પણ 24 કલાકમાં નવો તૈયાર કરાયો છે. 24 કલાક બે હોટમિક્સ પ્લાન્ટ ચલાવી રોડ તૈયાર કરાયા છે. 6 અધિકારી, 12 એન્જિનિયર, 80 મશીન ઓપરેટર સહિતનો કાફલો ખડકી એક જ રાતમાં 3 રોડ તૈયાર કરી દેવામાં આવ્યા છે.

