સુરેન્દ્રનગર શહેરની ગાંધી હોસ્પિટલના કમ્પાઉન્ડ, બગીચા સહિતના વિસ્તારોમાં પશુઓ આવી જતા દર્દીઓ સાથે પરિવારજનો પણ મુશ્કેલીઓનો સામનો કરી રહ્યા છે. ત્યારે હોસ્પિટલ તંત્ર દ્વારા પશુઓ પર રોક લગાવવામાં આવે તેવી લોકમાંગ ઉઠી છે.
ગાંધી હોસ્પિટલના કમ્પાઉન્ડ, બગીચા, વોર્ડ વિભાગ, નર્સિંગ, ક્ષય વિભાગની આજુબાજુ સહિતના વિસ્તારોમાં વારંવાર રખડતા પશુઓ ઘૂસી જતા હોવાથી સારવાર માટે આવતા દર્દીઓ અને તેના પરિવારજનોને મુશ્કેલીઓનો સામનો કરવો પડી રહ્યો છે.
આ અંગે લક્ષ્મીબેન પરમાર, અરિવંદભાઈ મકવાણા વગેરે જણાવ્યું કે, કેટલીક વાર પશુઓની સંખ્યા થઇ જતા અને સામસામે આવી જતા અકસ્માતનો ભય રહે છે. દર્દીઓને વોર્ડમાં જ જમવાનું તંત્ર દ્વારા આપવામા આવે છે.
જ્યારે તેની સાથે આવેલા મોટા ભાગના પરિવારજનો હોસ્પિટલના વિસ્તારમાં ભોજન કરે છે. આથી ખાદ્યચીજવસ્તુઓ સાથે પશુઓ શોધતા શોધતા અહીં આવી ચડે છે. આથી રખડતા પશુઓ હોસ્પિટલના વોર્ડ સહિતના સ્થળોએ ન આવે તે માટે તંત્ર દ્વારા કાર્યવાહી કરાય તેવી માંગ કરી હતી.
જિલ્લાની સૌથી મોટી સરકારી હોસ્પિટલમાં શહેરી તેમજ ગામડાઓના લોકો સારવાર માટે આવે છે. હાલ ડબલ ઋતુ અને વાયરલ ઇન્ફેકશનથી દર્દીઓની ભીડ સાથે દૈનિક 450થી વધુ ઓપીડી નોંધાઇ રહી છે.
હોસ્પિટલમાં છેલ્લા ઘણા સમયથી સિક્યુરીટી ગાર્ડ પણ હટાવી દેવામાં આવ્યા છે. અને તેની જગ્યો સ્ટાફના 3 માણસોને પણ આ જવાબદારી સોંપાઈ છે. ગાંધી હોસ્પિટલમાં પશુઓ આવતા હોઈ લોકો મુશ્કેલી વેઠી રહ્યા છે.