ડભોઇ ખરેખર હવે વિકાસ તરફ કુચ કરી રહ્યુ છે. વડોદરા જિલ્લામાં ડભોઇ એ પહેલો તાલુકો હશે જ્યાં ગેસ લાઇન આવશે અને ગૃહિણીઓને ગેસના બોટલની ઝંઝટમાંથી મુક્તિ મળશે. ગુરુવારે ડભોઇના ધારાસભ્યના હસ્તે 14 કરોડના ખર્ચે પીએનજી ગેસ લાઇનનું ખાતમુહૂર્ત કરવામાં આવતાં નગરજનોને દર્ભાવતી નગરના વિકાસની ગતિ વધી હોવાનો અહેસાસ થયો હતો. બીરેન શાહના પ્રમુખ બન્યા બાદ નગરમાં અનેક વિકાસના કામોને લીલી ઝંડી અપાઈ છે.
ત્યારે ડભોઇને દર્ભાવતિ નામ આપવાના ઠરાવ બાદ 14 કરોડના ખર્ચે વડોદરા ગેસ લિમિટેડના સહયોગથી નગરમાં પહેલી વખત ગેસ લાઇન નાખવામાં આવશે. જેનો સીધો લાભ નગરની ગૃહિણીઓને થશે. પીએનજી લાઇન આપવા માટે ધારાસભ્યે અપીલ કરી હતી. ગુરુવારે સરદાર પટેલ ચોક વડોદરી ભાગોળ ખાતે 14 કરોડના ખર્ચે ગેસ લાઇન માટે ખાતમુહૂર્ત કરવામાં આવ્યું હતું.
ધારાસભ્ય શૈલેષ મહેતાએ જણાવ્યુ હતું કે, ઘણા વર્ષોથી ડભોઇ શહેરની પ્રજાની માંગ હતી કે, ઘરગથ્થુ ગેસ લાઇન માટેની તેઓની માંગણીઓને ધ્યાનમાં લઇને ડભોઇ શહેરની પ્રજાને ઘરગથ્થુ ગેસ લાઇનની સુવિધા છ મહિનામાં જ પ્રાપ્ત થશે.
જેવી રીતના ઘરમાં પાણીનો નળખોલીને પાણી ભરી લેતા હોય તે રીતના આ ગેસ લાઇન પણ બહેનો માટે સુવિધા ઉપલબ્ધ કરવામાં આવી છે. ગેસના બોટલો માટે હવે દોડા દોડી કરવાની જગ્યાએ ઘરે ઘેર ગેસ લાઇન આપવામાં આવશે. જેનાથી શહેરીજનોને સારી સુવિધા મળશે.
આ પ્રસંગે બરોડા જિલ્લા કેળવણી મંડળના પ્રમુખ અને ગુજરાત પ્રદેશ ભાજપ સમિતિના સભ્ય શશીકાંતભાઈ પટેલ તથા વડોદરા જિલ્લા મહામંત્રી ડીજે બ્રહ્મભટ્ટ, પીએનજી ગેસના એમડી એસ કે ગર્ગ તથા વડોદરા ગેસ ફાઈટર સેફ્ટી ના ઓફિસર ભાર્ગવ વ્યાસ ચીફ ઓફિસર જય કિશન તડવી, પાલિકા પ્રમુખ બીરેન શાહ, મેનેજર મહેશભાઈ પરમાર, શહેર પ્રમુખ ડોક્ટર સંદીપ શાહ સહિત પાલિકાના સભ્યો અને કાર્યકરો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા.

