Gujarat

ગણેશનગરમાં ગેસ લીક થતો હતો મહિલાએ લાઈટ ચાલુ કરતા જ બ્લાસ્ટ થયો : પરિવાર દાઝયો, પુત્રનું મોત

જૂનાગઢમાં ગિરનાર દરવાજા પાસે આવેલ ગણેશનગરમાં રહેતા કાનજીભાઈ માવજીભાઈ કટારીયાના ઘરનાં રસોડામાં મંગળવારની રાત્રે 11 વાગ્યે ગેસ લીકેજ થતા બ્લાસ્ટ થયો હતો. આ ઘટનામાં 55 વર્ષીય કાનજીભાઈ તેમજ તેમના 35 વર્ષીય પુત્ર વિજયભાઈ, 32 વર્ષીય પુત્રવધુ મનિષાબેન તથા 7 વર્ષીય પૌત્ર દત દાઝી ગયા હતા. ચારેય પરિવારજનોને જૂનાગઢ સિવિલ હોસ્પિટલમાં રાત્રે 11:55 કલાકે સારવાર માટે ખસેડવામાં આવ્યા હતા.

મંગળવારની રાત્રે ગેસ લીંકેજના લીધે થયેલા ધડાકામાં ગંભીર રીતે દાઝેલા પતિ-પત્ની રાજકોટ સારવાર હેઠળ છે.

અને વધુ સારવાર અર્થે ચારેય લોકોને રાત્રે 1:45 કલાકે રાજકોટ સિવિલ હોસ્પિટલમાં રિફર કરાયા હતા. જ્યાં બુધવારે સાંજે 4 વાગ્યે બાળકનું મૃત્યુ નીપજ્યું હતું. ત્યારે અન્ય ત્રણ લોકોની હાલત ગંભીર હોય સારવાર હેઠળ છે.

મંગળવારની રાત્રે 10:30 થી 11 વાગ્યાની વચ્ચે વિજયભાઈ તથા મનીષાબેન તેમના પુત્ર દતને દૂધ પીવડાવવા માટે રસોડામાં ગયા હતા અને મહિલાએ રસોડાની લાઇટની સ્વીચ ચાલુ કરતાની સાથે જ બ્લાસ્ટ થયો હતો.

આ ઘટનામાં ત્રણેય દાઝી ગયા હતા અને તેમને બચાવવા જતા કાનજીભાઈ પણ ગંભીર રીતે દાઝી ગયા હતા. આ ઘટનાની જાણ થતા પોલીસ કાફલો તથા મનપાના ફાયર બ્રિગેડના કમલેશ પુરોહિત વગેરે દોડી ગયા હતા. અને ચારેયને સારવાર માટે ખસેડ્યા હતા.