Gujarat

દેવભૂમિ દ્વારકાના ખંભાળિયા પાસે આવેલો ઘી ડેમમાં પાણીની આવક થતા ઓવરફ્‌લો થયો

ગુજરાતના કેટલાક જિલ્લાઓમાં છેલ્લા કેટલાક દિવસથી વરસી રહેલા અવિરત વરસાદ ના કારણે અમુક જિલ્લાઓમાં પરિસ્થિતિ વિકટ બની છે, મેઘરાજા ધૂંઆધાર બેટિંગ કરી છે. જેના પગલે મોટાભાગના જળાશયોમાં પાણીની આવક થઈ છે. દેવભૂમિ દ્વારકાના ખંભાળિયા પાસે આવેલો ઘી ડેમમાં પાણીની આવક થતા ઓવરફ્‌લો થયો છે.

ખંભાળિયા તેમજ ઉપરવાસમાં સતત વરસાદના કારણે ઘી ડેમ છલકાયો છે. ઘી ડેમ ખંભાળિયા શહેરને પીવાનું પાણી પુરુ પાડે છે. પીવાના તેમજ સિંચાઇના પાણી માટે ખંભાળિયા તેમજ આસપાસના વિસ્તારો માટે આશીર્વાદ રૂપ છે. ડેમ ઓવરફ્‌લો થતા ગ્રામ્ય વિસ્તારના ખેડૂતોમાં ખુશીનો માહોલ જોવા મળ્યો છે. બીજી તરફ વડોદરાના ડભોઈ પાસે આવેલા દેવડેમમાંથી પાણી છોડાતા ડભોઈના ગામોને અસર થઈ છે.

ડભોઈના ૬ ગામોમાં ઢાઢર નદીના પાણી ઘુસ્યા છે. નદીનું પાણી ગામમાં આવી જતા નારણપુરા ગામ બેટમાં ફેરવાયું છે. ડભોઈથી વાઘોડિયાનો રસ્તો બંધ કરતા વાહન ચાલકો અટવાયા છે. જો કે પાણી ભરાતા કરાલીપુરાથી વાઘોડિયા જવાનો રસ્તો બંધ કરાયો છે.