– અધિકારીઓની આળસના કારણે સરકારી લાભથી બાળકો વંચિત રહી ગયા
– હવે અંદરખાને મિડિયાને કોસતા તંત્રના માણસો
અંકલેશ્વર તાલુકા ઉપરાંત આમોદ અને જંબુસર તાલુકામાં સરસ્વતી સાધના યોજના હેઠળ શાળા પ્રવેશોત્સવમાં વિદ્યાર્થીઓને અપાતી સાઈકલો અધિકારીઓના પાપે વર્ષોથી ધૂળ ખાઈ રહી હતી. જેનો મિડિયામાં અહેવાલ પ્રસિધ્ધ થતા જ તમામ સાયકલોની હરાજી કરી દેવામાં આવી છે.
સરકારની યોજનાઓનો હેતુ મુખ્યત્વે એ હોય છે કે તે છેવાડાના માણસ સુધી લાભ પહોંચે. જે વ્યક્તિ સાધન સંપન્ન છે તેને કદાચ સરકારી મદદની જરૂર નથી, પણ જે આર્થિક રીતે અસક્ષમ છે તેના માટે સરકારની યોજનાઓ વરદાનરૂપ સાબિત થતી હોય છે. અંકલેશ્વર સહિત ભરૂચ જિલ્લાના આમોદ, જંબુસર તાલુકાની સરસ્વતી સાધના યોજના હેઠળ શાળા પ્રવેશોત્સવમાં વિદ્યાર્થીઓને અપાતી સાઈકલો અધિકારીઓના પાપે ધૂળ ખાઈ રહી હતી.
આ અંગેના મીડિયા અહેવાલો બાદ સરકારી બાબુઓ સફાળા જાગી ગયા હતા. ભરૂચ જિલ્લાના અધિકારીઓની બેદરકારીને કારણે 250 થી વધુ સાયકલો અંકલેશ્વરની એમ.ટી.એમ.ગર્લ્સ હાઈસ્કુલ તેમજ ગોયાબજાર પ્રાથમિક શાળાના એક વર્ગખંડમાં છેલ્લા આઠ વર્ષોથી ધૂળ ખાઈ રહી હતી.મળતી માહિતી પ્રમાણે વર્ષ 2015માં અંકલેશ્વર, આમોદ તેમજ જંબુસર તાલુકાની શાળાઓની વિદ્યાર્થીનીઓ માટે આ સાઈકલો સરકાર દ્વારા અપાય હતી પરંતુ સ્થાનિક જિલ્લાના શિક્ષણ વિભાગના અધિકારીઓની આળસાઈને કારણે આટ આટલા વર્ષોથી આ સાયકલ જરૂરિયાતમંદ વિદ્યાર્થીનીઓને વિતરિત કરવામાં આવી નથી અને આ સાયકલો ધુળ ખાઈ રહી હતી. ગોયાબજાર પ્રાથમિક શાળાનો એક આખો વર્ગખંડ આ સાયકલોના ખડકલાને કારણે ફાજલ રોકાય રહ્યો હતો.
વર્ષોથી ધુળ ખાતી આ સાયકલો પૈકી અનેક સાયકલોમાં કાટ લાગી ગયો હતો અને પ્રજાના લાખો રૂપિયાનો વ્યય થઇ રહ્યો હતો. આખરે આઠ વર્ષથી ધુળ ખાતી સાયકલોની હરાજી કરવાનો નિર્ણય તાજેતરમાં લેવાયો હતો. ભરૂચના ઝાડેશ્વર સ્થિત ડીપીઓ કચેરી ખાતે યોજાયેલી હરાજીમાં હાજર ચાર જેટલા ભંગારના વેપારીઓ પૈકી વધુ બોલી બોલનાર વેપારીને આ તમામ સાયકલો વેચી દેવામાં આવી હતી. જોકે જિલ્લાની શાળાઓમાં પડી પડી ધુળ ખાતી આ સાયકલોની કેટલી કિંમત ઉપજી તે અંગેની માહિતી સાંપડી શકી નહોતી પરંતુ એક વાત ચોક્કસ કે નવી નકકોર સાયકલો પડી પડી ભંગાર બની ગઈ અને તેને ભંગારમાં વેચી દેવી પડી તે હકીકત સમાજ કલ્યાણ ખાતા, શિક્ષણ વિભાગમાટે શરમજનક બાબત ગણી શકાય.
વિરલ ગોહિલ, ભરૂચ

