અહીં થતી સેવાકીય પ્રવૃત્તિઓની ખૂબ ઝીણવટભરી નોંધ લીધી અને આ તકે પૂ. ભક્તિરામબાપુની સેવાકીય પ્રવૃત્તિઓને બિરદાવી હતી.
ગતરોજ સાવરકુંડલા શહેર માટે સુવર્ણ અક્ષરે લખાયો. સાવરકુંડલા શહેર ખાતે ગુજરાતના મુખ્યમંત્રી ભુપેન્દ્રભાઈ પટેલ પધારેલ અને સાવરકુંડલા શહેરનાં વિકાસના કામોનાં ભૂમિપૂજન તથા સાવરકુંડલા શહેરની વિવિધ સેવાકીય સંસ્થાઓની મુલાકાત લીધી. જેમાં સાવરકુંડલાના હાથસણી રોડ પર આવેલ માનવ મંદિર આશ્રમની મુલાકાતનો પણ સમાવેશ હતો. જ્યાં માનવમંદિરના પૂ.ભક્તિરામબાપુ છેલ્લા ઘણા વર્ષોથી મનોરોગી બહેનોની સેવા કરે છે,તેમનું માતાતુલ્ય વાત્સલ્ય તેમજ પિતાતુલ્ય સ્નેહથી તેમની ખૂબ જ માવજતથી જતન કરે છે.

આ આશ્રમમાં નિવાસ કરતી તમામ મનોરોગી બહેનોને જરૂરી તબીબી સારવાર કરાવે છે અને જ્યારે તે સંપૂર્ણ સ્વસ્થ થઈ જાય ત્યારે તેમનાં પરિવારજનોને પરત સોંપી દે છે આ તમામ સેવાકીય કાર્ય વિનામૂલ્યે કરવામાં આવે છે. કદાચ સ્વસ્થ થયેલા મનોરોગી બહેનનું કોઇ સગું વ્હાલું ન હોય તો તેમનાં લાયક યોગ્ય જીવનસાથી શોધી તેમના લગ્ન કે નિકાહ પણ કરાવી આપે.. આમ સંપૂર્ણ નિસ્વાર્થ માનવતાના પુજારી એવાં ભક્તિરામબાપુ અહીં કોઈ નાતજાતના ભેદભાવ વગર માત્ર સ્નેહને લક્ષમાં રાખીને સેવાકીય કાર્ય કરે છે.

આ કાર્યની મુખ્યમંત્રી સાહેબે ખુબ ઝીણવટભરી નોંધ લીધેલ. આ માનનીય મુખ્યમંત્રીની આ માનવમંદિરની મુલાકાત વેળાએ ધારાસભ્ય મહેશભાઈ કસવાળા, કૌશિકભાઈ વેકરીયા, જે. વી કાકડીયા, જનકભાઇ તળાવિયા, સાંસદ ભરતભાઈ સુતરીયા વગેરે ઉપસ્થિત રહ્યા હતા. ખાસ વાત એ છે કે આ સેવા કરવી તે કોઈ સામાન્ય વ્યક્તિનું તો કામ જ નથી. આ માટે હૈયે અખૂટ ધૈર્ય, સ્નેહ, આતિથ્ય સત્કારની ભાવના, સમર્પણ, સદભાવના, જીવ માત્ર પ્રત્યે સ્નેહ અને અસ્તિત્વમાં પૂર્ણ શ્રધ્ધા હોવી જોઈએ. એટલે જ ખરાં અર્થમાં તો આ હેમાળે હાડ ગાળવા જેવી વાત છે.. આ તમામ બાબતોના અખૂટ સમન્વયથી જ આવી સેવાકીય પ્રવૃત્તિઓ થઈ શકે છે.

આ તમામ બાબતોને લક્ષમાં લઈને જ માનનીય મુખ્યમંત્રીએ પૂ.ભક્તિરામબાપુની આ સેવાકીય પ્રવૃત્તિઓને બિરદાવી અને તેના કાર્યોથી પ્રભાવિત થયેલા હતાં. માનનીય મુખ્યમંત્રીની આ મુલાકાત વેળાએ મનસુખભાઇ વસોયા, ધીરજલાલ સોરઠીયા, દીનકરરાય ગોંડલીયા, નિરુભા સરવૈયા, રમેશભાઈ મુંગરા, ભુરાભાઈ વાળા, લાલજીભાઈ ટાંક, લાખાભાઈ વેકરીયા, કનુભાઈ ધાખડા તેમજ આશ્રમની દિકરીઓ તથા કાર્યકરો ઉપસ્થિત રહ્યા હતા.
બિપીન પાંધી

