Gujarat

જામજોધપુર ગ્રામ્યમાં તોફાની પવન સાથે વરસાદી ઝાપટાઓ વરસ્યા

દેવભૂમિ દ્વારકા સહિત રાજયમાં અમુક સ્થળોએ કમૌસમી વરસાદની હવામાન વિભાગની આગાહી વચ્ચે જામનગર અને દ્વારકા જિલ્લામાં બુધવારે બપોર બાદ વાતાવરણમાં પલટો આવ્યો હતો જેમાં ભાણવડ શહેર અને ગ્રામ્યમાં ઝરમર ઝાપટા બાદ જામજોધપુર પંથકમાં મોડી સાંજે તોફાની પવન સાથે કમૌસમી વરસાદ ખાબકયો હતો.બુટાવદર, સમાણા, બાવરીદળ, નરમાણા ગ્રામ્ય પંથકમાં ભારે પવન સાથે વરસાદી ઝાપટા વરસ્યા હતા.

હાલાર સહિત રાજયમાં તા.17 સુધી કમૌસમી વરસાદની આગાહી વચ્ચે જામનગર અને દેવભૂમિ જિલ્લામાં બુધવારે સવારથી અસહ્ય ઉકળાટ અને બફારાનુ સામ્રાજય છવાયુ હતુ. જે દરમિયાન જામજોધપુર ગ્રામ્ય પંથકમાં મોડીસાંજે વાતાવરણમાં પલટો આવ્યો હતો.જેમાં ભારે તોફાની પવન સાથે ગ્રામ્ય પંથકમાં કમૌસમી વરસાદ ખાબકયો હતો.

બુટાવદર, સમાણા, નરમાણા, બાવળીદળ ગ્રામ્ય પંથકમાં વિજળીના કડાકા ભડાકા અને ભારે પવન સાથે વરસાદી ઝાપટાઓ પડયા હતા.જામજોધપુર નજીક સીદસર પંથકમાં પણ બપોર બાદ ઝરમર ઝાપટા વરસ્યા હતા.અમુક સ્થળે માર્ગો પર પાણી વહેતા કરી દિધા હતા.

દેવભૂમિ જિલ્લાના ભાણવડ પંથકમાં બપોર બાદ વાતાવરણમાં પલટો આવ્યો હતો જેમાં ભાણવડમાં હળવા ભારે ઝરમર છાંટા વરસ્યા હતા. તાલુકાના હાથલા,ગડુ પંથકમાં વરસાદી ઝાપટા પડયા હોવાના વાવડ મળ્યા છે.

જામનગર શહેર સહિત હાલારના મોટા ભાગના સ્થળોએ સવારથી ભારે ઉકળાટ અને બફારા બાદ મોડીસાંજે વાતાવરણ પલટાયુ હતુ જેમાં અમુક સ્થળોએ રાત્રે પણ વરસાદી ડોળ યથાવત રહયો છે.

હાલારના ગ્રામ્ય પંથકમાં ભર વૈશાખે કમૌસમી વરસાદી ઝાપટાઓએ જગતના તાતને ચિંતિત કર્યો છે.વરસાદી ઝાપટાઓના કારણે પાકને નુકશાનની ભિતિ પણ ખેડૂતવર્ગ દ્વારા દર્શાવાઇ રહી છે.