હાફેશ્વર ગામને વિવિધ યોજનાઓ થકી વિકસાવવા વિશેષ પ્રયત્નો હાથ ધરવામાં આવી રહ્યા છે. – જિલ્લા કલેક્ટર અનિલ ધામલિયા
છોટાઉદેપુર જિલ્લાના ક્વાંટ તાલુકાના ‘હાફેશ્વર’ ગામને ‘વિશ્વ પ્રવાસન દિવસ નિમિત્તે’ કેન્દ્ર સરકારના પર્યટન મંત્રાલય દ્વારા હેરીટેજ કેટેગરીમાં “શ્રેષ્ઠ ગ્રામીણ પર્યટન સ્પર્ધા ૨૦૨૪”નો એવોર્ડ એનાયત કરવામાં આવ્યો છે. વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીએ ગુજરાતના મુખ્યમંત્રી તરીકે રાજ્યમાં પ્રવાસન સ્થળોનો બહુમુખી વિકાસ કરીને એક નવી કેડી કંડારી છે જેના પરિણામ સ્વરૂપે ગુજરાતના નાનકડા હાફેશ્વર ગામે આજે પ્રવાસન ક્ષેત્રે વૈશ્વિકસ્તરે વિશેષ સ્થાન પ્રાપ્ત કર્યુ છે.
હાફેશ્વર ગામને પ્રવાસન ક્ષેત્રે વૈશ્વિકસ્તરે વિશેષ સ્થાન પ્રાપ્ત થતાં જિલ્લા કલેક્ટર અનિલ ધામલિયાએ જણાવ્યું કે, ભારત સરકારના પ્રવાસન મંત્રાલય દ્વારા ગુજરાતનું હાફેશ્વર એકમાત્ર શ્રેષ્ઠ સાંસ્કૃતિક ધરોહર ની સ્પર્ધામાં પ્રથમ ક્રમાંક મેળવ્યો છે ત્યારે છોટા ઉદયપુર જિલ્લા અને ગુજરાત માટે ગૌરવની વાત છે.
ગુજરાત, મધ્યપ્રદેશ અને મહારાષ્ટ્રની સરહદે આવેલું અને અરવલ્લી, વિધ્યાચલ અને સાતપુડાની ગિરિમાળાઓની વચ્ચે આ ગામ આવેલું છે. હાફેશ્વર ગામને વિવિધ યોજનાઓ થકી વિકસાવવા વિશેષ પ્રયત્નો હાથ ધરવામાં આવી રહ્યા છે. જેમાં રસ્તાઓના વાઇડેનિંગ, ઈન લેન્ડ વોટર ઓથોરિટી ઓફ ઇન્ડિયા અને ટિસીજીએલ મારફતે પ્રવાસન સ્થળ તરીકે વિકાસ અને વન વિભાગ મારફતે વિવિધ ઇકોટુરિઝમ સેન્ટર વિકસાવવા માટેના પ્રયત્નો હાથ ધરાયા છે.
વધુમાં તેમણે જણાવ્યું કે, હાફેશ્વર ગામ સાંસ્કૃતિક ધરોહર અને જિલ્લાની ઓળખ સાથે આસપાસના અન્ય પ્રવાસન સ્થળો જેમકે તુરખેડા, નાખલ ઝરણું, ધારસીમેલ ધોધ જેવા અન્ય સ્થળોને પણ વિશેષ પ્રવાસન સ્થળ તરીકે ઓળખ મળશે.
રિપોર્ટર રેહાન પટેલ છોટાઉદેપુર

