અમેરિકાના સાંસદ રિચ મેકકોર્મિકનું કહેવું છે કે PM નરેન્દ્ર મોદી ફરી એકવાર ભારતના વડાપ્રધાન બનશે.
ન્યૂઝ એજન્સી પીટીઆઈને આપેલા ઈન્ટરવ્યુમાં તેમણે કહ્યું- મોદી ખૂબ જ લોકપ્રિય નેતા છે. તેમની પાર્ટી આગામી લોકસભાની ચૂંટણી જીતશે. હું ભારત ગયો હતો ત્યારે મોદી સાથે લંચ કર્યું હતું. પાર્ટીના સભ્યોમાં પણ તેમની લોકપ્રિયતા જોવા મળી હતી. જો કોઈ 70% લોકપ્રિય છે તો તે મોદી છે.

વિદેશમાં પણ મોદીનો પ્રભાવ
રિચ મેકકોર્મિકે કહ્યું- અર્થવ્યવસ્થા, વિકાસ, તમામ લોકો પ્રત્યેની સદ્ભાવના પ્રત્યે તેમનો દ્રષ્ટિકોણ વખાણવા લાયક છે. વિશ્વભરના વિદેશી ભારતીયોમાં પણ તેમને ખૂબ પસંદ કરવામાં આવે છે. તેઓ ભારતને જોવાનો વિશ્વનો દ્રષ્ટિકોણ બદલી નાખે છે. ભારતના વ્યૂહાત્મક સંબંધો અને વૈશ્વિક અર્થતંત્ર પર તેમની સકારાત્મક અસર છે.
અર્થવ્યવસ્થા 6-8% વધી રહી છે
મેકકોર્મિકે કહ્યું- ભારત આત્મવિશ્વાસ સાથે આગળ વધી રહ્યું છે. મોદીના નેતૃત્વમાં ભારતની અર્થવ્યવસ્થા દર વર્ષે 6-8%ની વૃદ્ધિ કરી રહી છે. અન્ય દેશો સાથે કામ કરવાની તેમની તત્પરતાની પ્રશંસા થવી જોઈએ. તેમના નેતૃત્વમાં ભારત ખૂબ જ પ્રમાણિક લાગે છે. તેઓ ટેક્નોલોજીની ચોરી કરવા માટે નહીં પરંતુ તેને શેર કરવા માટે સંમત છે. તેઓ ભરોસો અપાવે છે જે ટેક્નોલોજી શેર કરવાનું સરળ બની જાય છે.

ભારતમાં તમામ ધર્મોને સ્વતંત્રતા
ગયા વર્ષે અમેરિકાએ ભારતમાં ધાર્મિક સ્વતંત્રતાની પ્રશંસા કરી હતી. એવું કહેવામાં આવ્યું હતું કે ભારત વિશ્વની સૌથી મોટી લોકશાહી છે અને ઘણા ધર્મોનું ઘર છે.
ખરેખરમાં, અમેરિકાને પૂછવામાં આવ્યું હતું કે શા માટે ભારતને ‘વિશેષ ચિંતાના દેશો’ની યાદીમાં સામેલ કરવામાં આવ્યું નથી. તેના જવાબમાં યુએસ સ્ટેટ ડિપાર્ટમેન્ટના તત્કાલીન પ્રવક્તા નેડ પ્રાઈસે કહ્યું હતું કે ભારત ઘણા ધર્મોનું ઘર છે અને ભારતને વિશેષ ચિંતાના દેશો અથવા સ્પેશિયલ વોચ લિસ્ટમાં સામેલ કરી શકાય નહીં. બાઈડન વહીવટીતંત્ર તમામ લોકો માટે ધાર્મિક સ્વતંત્રતાના રક્ષણ માટે ભારતની પ્રતિબદ્ધતાને પ્રોત્સાહિત કરતા રહેશે.
ચીન-PAKએ પણ મોદીના વખાણ કર્યા હતા
ચીની મીડિયાએ જાહેરમાં ભારતની પ્રશંસા કરી છે અને તેમને શક્તિશાળી દેશ ગણાવ્યો છે. સરકારી મીડિયા ગ્લોબલ ટાઈમ્સનું કહેવું છે કે વડાપ્રધાન નરેન્દ્ર મોદીના નેતૃત્વમાં ભારતની આર્થિક અને વિદેશ નીતિમાં સકારાત્મક પરિવર્તન આવ્યું છે. તે ઝડપથી આગળ વધી રહ્યો છે. સાથે જ પાકિસ્તાની મીડિયાએ પણ ભારતને શક્તિશાળી દેશ ગણાવ્યો છે. ત્યાંના મીડિયાએ વર્ષ 2023ની શરૂઆતમાં કહ્યું હતું કે એવા સમયે જ્યારે યુક્રેનના મુદ્દે અમેરિકા અને રશિયા સામસામે છે, ત્યારે આ બંને દેશ ભારતની સાથે ઉભા છે. આ ભારતની શ્રેષ્ઠ ડિપ્લોમેસી છે. ભારત ગ્લોબલ પાવર બની ગયું છે.

પુતિને કહ્યું છે કે મોદીને ડરાવી કે ધમકાવી શકાય નહીં
રશિયાએ પણ અનેક અવસરો પર ભારતના વખાણ કર્યા છે. 8 ડિસેમ્બર, 2023ના રોજ રશિયાના રાષ્ટ્રપતિ વ્લાદિમીર પુતિને મોસ્કોમાં આયોજિત 14મા VTB ઇન્વેસ્ટમેન્ટ ફોરમ ‘રશિયા કોલિંગ’માં PM મોદીની પ્રશંસા કરી હતી. તેમણે કહ્યું હતું કે વડાપ્રધાન મોદી પોતે રશિયા અને ભારતના સંબંધોની ગેરંટી છે. તેમને ડરાવી શકાય નહીં અથવા રાષ્ટ્રીય હિતોની વિરુદ્ધ નિર્ણયો લેવા મજબુર કરી શકાય નહીં.
પુતિને કહ્યું હતું- જ્યારે રાષ્ટ્રીય હિતોની રક્ષાની વાત આવે છે ત્યારે પીએમ મોદીના કડક વલણની પ્રશંસા થાય છે. મોદીને ભારત અને ભારતીય લોકોની વિરુદ્ધમાં કોઈપણ કામ કરાવવા માટે અથવા નિર્ણયો લેવા માટે ડરાવી, ધમકાવી કે મજબુર કરી શકાય હું કલ્પના પણ કરી શકતો નથી. સાચું કહું તો, કેટલીકવાર મને ભારતીય લોકોના તેમના રાષ્ટ્રીય હિતોની રક્ષા અંગેના કડક વલણથી આશ્ચર્ય પણ થાય છે.