Gujarat

રાજ્યના દરેક જિલ્લામાં ઘર આંગણે મેડિકલ શિક્ષણ ઉપલબ્ધ કરાવવા સરકાર કટિબદ્ધ: આરોગ્ય મંત્રી

આરોગ્ય મંત્રી ઋષિકેશ પટેલે વિધાનસભા ગૃહમાં રાજ્યની GMERS સંદર્ભે પૂછાયેલા પ્રશ્નના ઉત્તરમાં જણાવ્યું કે, છેલ્લા બે વર્ષમાં રાજ્યમાં નવીન પાંચ જીએમઇઆરએસ મેડિકલ કોલેજનો ઉમેરો કરાયો છે. જેના અંતર્ગત 500 મેડિકલ બેઠકો વધી છે. તદ્ઉપરાંત રાજપીપળા, નવસારી, પોરબંદર, ગોધરા અને મોરબી જિલ્લા હોસ્પિટલોને અપગ્રેડ કરીને જીએમઇઆરએસ હેઠળ સમાવેશ કરવામાં આવ્યો છે.

રાજ્ય સરકારે 5244 કરોડની રકમ ફાળવી

રાજ્યના આરોગ્ય મંત્રી ઋષિકેશ પટેલે વધુ વિગતો આપતા જણાવ્યું હતુ કે, રાજય સરકાર દ્ધારા GMERS હેઠળ છેલ્લા 20 વર્ષમાં 13 નવી મેડિકલ કોલેજો અંતર્ગત સ્નાતક કક્ષાની કુલ 2100 અને અનુસ્નાતકની કુલ 300 બેઠકો ઉપલબ્ધ કરાવવામાં આવી છે. જીએમઇઆરએસની 13 કોલેજોના સંચાલન માટે અત્યાર સુધીમાં રાજ્ય સરકારે 5244 કરોડની રકમ ફાળવી છે. જેની સામે ટ્યુશન ફીની આવક 2216 કરોડ થઇ છે. યુ.જીની 2100 તથા પી.જીની 300 મળી કુલ 2400 વિદ્યાર્થીઓમાંથી 1743 વિદ્યાર્થી એટલે કે, કુલ વિદ્યાર્થીઓમાંથી 72 ટકા વિદ્યાર્થીઓ સરકારની વિવિધ શિષ્યવૃતિ યોજનાઓ જેવી કે MYSY, કન્યા કેળવણી, પોસ્ટ મેટ્રીક સ્કોલરશીપ યોજના, CMSS યોજના તેમજ ફ્રી શીપ કાર્ડ યોજનાઓનો લાભ મેળવી ફીમાં રાહત મેળવતાં હોય છે. આ ઉપરાંત 8 કોલેજોના બાંધકામ માટે રાજ્ય સરકારે અત્યાર સુધીમાં 4287 કરોડ ફાળવ્યા છે. નવી 5 કોલેજોને રાજ્યના 40 ટકા અને કેન્દ્રના 60 ટકા લેખે 976 કરોડ ફાળવવામાં આવ્યા હોવાનું આરોગ્ય મંત્રીએ જણાવ્યું હતું.

13 કોલેજો-14 હોસ્પિટલોનો અંદાજીત 1250 કરોડનો ખર્ચ

વર્ષ 2023-24માં જીએમઇઆરએસ હસ્તકની 13 મેડિકલ કોલેજોની ટ્યુશન ફીની થનાર અંદાજીત આવક 375 કરોડ સામે 13 કોલેજો અને 14 હોસ્પિટલોના અંદાજીત 1250 કરોડનો ખર્ચ થવાનો છે. જેની સામે સરકાર તરફથી કોલેજો અને હોસ્પિટલોના ખર્ચ માટે 843.21 કરોડ ફાળવવામાં આવ્યા છે. આરોગ્યમંત્રી ઋષિકેશ પટેલે રાજ્ય સરકાર હસ્તકની મેડિકલ કોલેજના સંચાલન સંદર્ભે વિગતો આપતા જણાવ્યું કે, રાજ્યમાં 6 સરકારી મેડિકલ કોલેજોમાં યુ.જીની 1400 બેઠકો તથા પી.જીની 1329 બેઠકો ઉપલબ્ધ છે. વર્ષ 2023-24માં રાજ્ય સરકારે 895 કરોડની જોગવાઇ કરી છે. જેની સામે ફીની આવક માત્ર 7.37 કરોડ છે.