માતાવાડી વિસ્તારમાં ૨૫ દિવસથી ઉભરાતી ભૂગર્ભ ગટરથી ભયંકર રોગચાળાની વાટ જોતા ચીફ ઓફિસર
અનેક વખતની રજુઆતો પછી પણ વહીવટદાર કે પાલિકાના ચીફ ઓફિસરના પેટનું પાણી પણ હલતું નથી : એસીમાં બેઠા બેઠા ટેસડા કરતા હોવાના પ્રજાના આક્ષેપો
ધોરાજી શહેરમાં અત્યારે ગંદકીએ માઝા મૂકી છે. રોગચાળાના વાયરા વચ્ચે જાનના જોખમે જીવતા શહેરીજનો ગંદકીની ફરિયાદ કરવા જાય છે પણ બહેરા, મૂંગા અને સુરદાર જેવા બેઠેલા સત્તાધીશો હજુ પણ કુંભકર્ણની ભૂમિકામાં રાચતા હોવાના પ્રજાના આક્ષેપો છે. બીજીબાજુ સત્તાના કેફમાં રાચતા પાલિકાના ચીફ ઓફિસરે પત્રકારોને ગંદકી બાબતે બે શબ્દો બોલવાની કે ઇન્ટરવ્યુ આપવાની ઘસીને નાં પાડી દેતા આ મહાશય અધિકારી કેટલું ખાયબદેલા હશે અને ભાજપના રાજમાં આવો રૌફ જમાવે છે તે ઉચ્ચ સત્તાધીશો માટે શરમજનક ગણાવાઈ રહ્યું છે.
મળતી વિગતો મુજબ ધોરાજી શહેરના માતાવાડી વિસ્તારમાં છેલ્લા ૨૦-૨૫ દિવસથી પ્રાથમિક સુવિધાઓથી વંચિત લત્તાવાસીઓ ભૂગર્ભ ગટરના ઉભરાતા પાણીથી ત્રસ્ત બની ગયા છે. ગંધાતા પાણી રોડ ઉપર આવીને રોડ રસ્તા તેમજ લાત્તાવાસીઓનું સ્વાસ્થ્ય બગાડતા હોવાના આક્ષેપો પછી પણ તંત્ર જાગતું નથી.
આ વિસ્તારના જાગૃત લોકો અને અભણ મહિલાઓ ખુલ્લા આક્ષેપો કરતા કહે છે કે, ગંદકી બાબતે અનેકવખત રજુઆતો કરવામાં આવી છે પણ વહીવટદાર કે ચીફ ઓફિસર દ્વારા કોઈ સહકાર અપાતો નથી. અને કોઈ સમસ્યાઓ હલ પણ થતી નથી. ભૂગર્ભ ગટરના પાણી ઉભરાતા હોવાથી આ વિસ્તારમાં ભયંકર રોગચાળાને આમંત્રણ મળી રહ્યું છે છતાં સત્તાધીશો જાડી ચામડીના બની બેઠા બેઠા એસીની હવા ખાઈને ટેસડા કરે છે.
શહેર કોંગ્રેસના દિનેશભાઈ વોરાએ પણ રોષિત અવસ્થામાં જણાવ્યું હતું કે શહેરમાં ગંદકીએ માઝા મૂકી છે ઠેર ઠેર ગંદકીના ગંજ ખડકાઈ ગયા છે, ઘરે ઘરે માંદગીના ખાટલા મંડાઈ ગયા છે. તંત્ર સબ સલામતની આલબેલ પોકારી મૂર્ખતાનું પ્રદર્શન કરી રહ્યું છે. એટલુજ નહિ શહેરની ગંદકી દુર કરવા કોઈ લેશમાત્ર પ્રયાશ ના કરતા હોવાના આક્ષેપો થયા છે.
આ વિસ્તારની મહિલાઓ કહે છે કે અમોએ ધારાસભ્યને પણ કોલ કરીને ગંદકીની જાણ કરી છે પણ ધારાસભ્ય ફરકતા નથી. એકંદરે આ વિસ્તારમાં ભયંકર રોગચાળો જન્મે તેની તંત્ર રાહ જોતું હોવાનું સાબિત થઇ રહ્યું છે. લોકોમાં એટલો રોષ છવાયો છે કે તેની અસર અગામી લોકસભાની ચૂંટણીમાં બતાવવા તૈયારીઓ કરાઈ રહી છે.

ઇન્ટરવ્યુ ન આપી શકું : ચીફ ઓફિસરનો ઉડાઉ જવાબ
આ લખનાર પત્રકાર દ્વારા જ્યારે ધોરાજી પાલિકાના ચીફ ઓફિસરનો ટેલીફોનીક સંપર્ક કરાયો અને ગંદકી બાબતે નિવેદન આપવા માંગ કરવામાં આવી ત્યારે આ મહાશય ચીફ ઓફિસરે સત્તાનો કેફ બતાવી પત્રકારને સંભળાવી દીધું હતું કે હું ઇન્ટરવ્યુ ન આપી શકું. ટૂંકમાં શહેરમાં ફેલાઈ રહેલી ગંદકીએ પાલિકા તંત્રની આબરુને ધૂળ ધાણી કરી નાખી છે. આબરૂ સાચવવા તંત્રે કોઈ નક્કર કામગીરી કરીને પ્રજાની સમસ્યા હલ કરવા જાગવું જોઈએ અને સમસ્યા ઉકેલવા સતર્ક થવું જોઈએ તેને બદલે વહીવટદાર કે પાલિકાના ચીફ ઓફિસર આ બાબતે હજુ ઘોરતા હોવાથી લત્તાવાસીઓમાં રોષ ફાટી નીકળ્યો છે.

મત આપીએ છીએ પણ સમસ્યા હલ થતી નથી
ગગજીભાઈ ચારણ સહિતના જાગૃત લોકોએ કહ્યું કે તેઓએ કદી મતદાન કરવાની નાં પાડી નથી અને જેઓ કામ કરે છે તેને વખતોવખત મત આપ્યા છે પણ મતલબ નિકલ ગયા તો પહેચાનતે નહિ જેવી નીતિ સત્તાધીશો સાબિત કરતા હોવાથી સમસ્યા હલ કરવા હવે કોને ફરિયાદ કરવી તેવો સવાલ ઉભો થયો છે. આ બાબતે જે હોય તે પણ આગામી ચૂંટણીમાં જે ઉમેદવારોને જીતવું હોય તે ઉમેદવારો માતાવાડીનો ગંદકીનો પ્રશ્ન હલ કરાવે તે જરૂરી હોવાનું લત્તાવાસીઓ કહે છે.

