Gujarat

વરસાદ ખેંચી લાવતાં વાદળ હજુ બંધાતાં નથી, 24થી 48 કલાક રાહ જોવી પડશે

છેલ્લા બે દિવસથી શહેરમાં વાદળિયું વાતાવરણ સર્જાયું છે. અપર એર સરક્યુલેશન સૌરાષ્ટ્ર-અરબ સાગરના ઉત્તર-પૂર્વ ભાગમાં સક્રિય હોવાથી વરસાદ ખેંચી લાવે તેવા વાદળો બંધાતા ન હોવાથી વરસાદ પડતો નથી.

જો કે આગામી 24થી 48 કલાકમાં સુધી વરસાદ માટે રાહ જોવી પડશે. શનિવારથી સોમવાર વચ્ચે શહેરમાં એકાદ ઈંચ વરસાદ પડવાની આગાહી હવામાન વિશેષજ્ઞે કરી છે. ગુરુવારે અમદાવાદનું મહત્તમ તાપમાન 1.1 ડિગ્રી ગગડીને 35.7 અને લઘુતમ તાપમાન 1.8 ડિગ્રી વધીને 29 ડિગ્રી નોંધાયું હતું.

હવામાન વિશેષજ્ઞ અંકિત પટેલ જણાવે છે કે, આગામી 24થી 48 કલાકમાં અપર એર સાયક્લોનિક સરક્યુલેશન સિસ્ટમ મધ્ય ગુજરાત તરફ ક્રમશ આગળ વધશે, જેની અસરોથી આગામી 24 કલાક દરમિયાન અમદાવાદમાં છૂટા છવાયા ઝાપટાં પડશે. ત્યારબાદ 29 જુન સુધીમાં અમદાવાદમાં વરસાદી સિસ્ટમ સક્રીય થવાની શક્યતા છે, જેથી 29 જૂનથી 1 જુલાઈ સુધીમાં ગાજવીજ સાથે વરસાદ પડશે.