Gujarat

જામનગર જિલ્લા પંચાયતમાં આગ લાગે તો‎કૂવો ખોદવો પડશે, અગ્નિશામક સાધનો નથી!‎

રાજકોટ ગેમઝોનની દુઘર્ટના બાદ જામનગરમાં જિલ્લા વહીવટી તંત્ર એકશનમાં આવ્યું છે અને ફાયર એનઓસી, વપરાશ પરવાનગી વગરની શાળા, કોલેજ, ટયુશન કલાસીસ, હોસ્પિટલ, હોટલ, રેસ્ટોરન્ટ સીલ કરવાની કાર્યવાહી શરૂ કરી છે. પરંતુ જિલ્લા પંચાયતમાં આગ લાગે તો કૂવો ખોદવો પડે તેવી સ્થિતિ છે.

કારણ કે, અગ્નિશામક સાધનો નથી. જિલ્લા પંચાયતમાં ફાયર એકસ્ટીગયુશર પણ તૂટેલી હાલતમાં, નિયમ મુજબ આગ બુઝાવવાની પાણીની પાઇપલાઇનનો અભાવ છે. આથી જુદી-જુદી શાખામાં ફરજ બજાવતા અધિકારી અને કર્મચારીઓ તથા દરરોજ આવતા અરજદારો પર અકસ્માતનો ખતરો ઝંળુબી રહ્યો છે.

ત્યારે તંત્ર જિલ્લા પંચાયતનું બિલ્ડીંગ સીલ કરશે તે સવાલ ઉઠયો છે. જામનગરમાં ફાયર એનઓસી અને વપરાશ પરવાનગી સહિતના નિયમોની અમલવારી ન કરવા સબબ મનપા દ્રારા ત્રણ દિવસમાં ખાનગી શાળા, કોલેજ, ટયુશન કલાસીસ, હોસ્પિટલ, રેસ્ટોરન્ટ, હોટલ મળી કુલ 113 થી વધુ એકમો સીલ કરવામાં આવ્યા છે. ત્યારે દિવ્યભાસ્કરની ટીમ દ્રારા જિલ્લા પંચાયતમાં તપાસ કરવામાં આવતા કચેરીમાં પૂરતા અગ્નિશામક સાધનોનો અભાવ જોવા મળ્યો હતો.