Gujarat

મરીમાતાના ખાંચાની દુકાનોના ગેરકાયદે શેડ પાલિકાએ તોડ્યા, રહીશોએ કહ્યું રહેણાંક મકાનમાં દુકાનો બનાવી

શહેરના મરીમાતાના ખાંચામાં ડુપ્લીકેટ મોબાઈલ એસેસરીઝનું વેચાણ કરતા વેપારીને ત્યાં પોલીસે કરેલી રેડ બાદ વેપારીઓએ હોબાળો મચાવ્યો હતો. વેપારીઓની વર્તણૂક તેમને ભારે પડી છે.

મોડીરાતે પાલિકાની ટીમે મરીમાતાના ખાંચામાં બુલડોઝર લઈને ઘુસેલા તંત્રે ગેરકાયદે રીતે બનવેલા બે દુકાનોના શેડને તોડી પાડ્યા હતા. બીજી તરફ બુધવારે ટીપી વિભાગની ટીમે રોડ માર્જિનમાં આવતા ઓટલા દૂર કર્યા હતા.

શહેરમાં આડેધડ પાર્કિંગ અને રોડ માર્જિનમાં થયેલા દબાણો મુદ્દે બદનામ થઈ રહેલા મરીમાતાના ખાંચામાં મંગળવારે પોલીસે રેડ કરી હતી. ડુપ્લીકેટ એસેસરીઝનું વેચાણ કરતા વેપારીઓને ત્યાં તપાસ કરતા 15 લાખની ડુપ્લીકેટ એસેસરીઝ મળી આવી હતી.

જોકે રેડ દરમિયાન વેપારીઓએ એકત્ર ત્યાં રિપોર્ટિંગ કરતા મીડિયા કર્મીઓ સાથે માથાકૂટ કરી કામગીરી કરતા રોક્યા હતા. તેટલું જ નહીં મીડિયાને બાનમાં લેવાનો પ્રયાસ કર્યો હતો.

આ ઘટના બાદ હોબાળો થતા જ વોર્ડ 13નું નિંદ્રાધીન તંત્ર જાગ્યું હતું. મોડીરાતે વોર્ડ 13ની ટીમ અને દબાણ શાખા મરીમાતાના ખાંચામાં દોડી ગઈ હતી. તેઓએ બે વેપારીઓએ ગેરકાયદે રીતે બહાર કાઢેલા શેડને જેસીબી વડે તોડી પાડ્યા હતા.