છેલ્લા ઘણા સમયથી આર્થિક સંકટનો સામનો કરી રહેલા અફઘાનિસ્તાન વધુ એક મુશ્કેલીમાં થી પસાર થઈ રહ્યું છે, અફઘાનિસ્તાનમાં વરસાદના કારણે અચાનક આવેલા પૂરથી ગામડાઓ તબાહ થયા છે, અત્યાર સુધીમાં ૨૦૦થી વધુ લોકોએ જીવ ગુમાવ્યા છે.
ભારે વરસાદ બાદ પૂરના પાણીએ એટલો બધો વિનાશ કર્યો છે કે ગામડાઓ અને શહેરોમાં ખેતરો, રસ્તાઓ, મકાનો ધોવાઈ ગયા છે અને પાક નાશ પામ્યો છે. અફઘાનિસ્તાનના બદખ્શાન, ઘોર, બગલાન અને હેરાત જેવા વિસ્તારો પૂરથી સૌથી વધુ પ્રભાવિત થયા છે. સૂત્રો એ જણાવ્યા મુજબ પૂરમાં અત્યાર સુધીમાં ૩૦૦થી વધુ લોકોના જીવ ગયા છે. ઘણી આંતરરાષ્ટ્રીય રાહત એજન્સીઓ અને સેવાકીય ગ્રુપો અસરગ્રસ્ત વિસ્તારોમાં દવાઓ, ખોરાક, સલામતી અને ઈમરજન્સી કીટ વગેરે જેવી રાહત સામગ્રી પહોંચાડી રહ્યા છે.
પુરના કારણે બાગલાન વિસ્તારના પાંચ જિલ્લાઓ ખરાબ રીતે પ્રભાવિત થયા છે. અચાનક પૂરના કારણે ગામડાઓ તબાહ થયા છે, ઘરોમાં પાણી ભરાઈ ગયા છે અને પશુઓ મોતને ભેટ્યા છે. ભારે વરસાદ અને ત્યાર બાદ પૂરમાં એક હજારથી વધુ ઘરો, હજારો હેક્ટર ખેતીની જમીનને નુકશાન થયું છે. ઘણા પૂરગ્રસ્ત વિસ્તારોમાં મદદ માટે ટ્રકો પહોંચવી મુશ્કેલ બની ગઈ છે.
ઓર્ગેનાઈઝેશન ઓફ ઈસ્લામિક કોઓપરેશને સભ્ય દેશો અને વિશ્વના અન્ય દેશોને અફઘાનિસ્તાનમાં પૂરથી અસરગ્રસ્તોને તાત્કાલિક મદદ કરવા વિનંતી કરી છે. આ સિવાય અફઘાનિસ્તાનના પૂર્વ રાષ્ટ્રપતિ હામિદ કરઝાઈએ પણ અચાનક પૂરથી પ્રભાવિત પીડિતો માટે માનવીય સહાયની માંગ કરી છે.