અંજાર નગરપાલિકા દ્વારા શહેરના વિવિધ વિસ્તારોમાં પ્રિમોન્સૂનના ભાગરૂપે ગટરલાઇન અને નાળા સફાઇન સહિતની સફાઈની કામગીરી જોરશોરથી ચાલી રહી છે. પણ દર વર્ષે ચોમાસામાં કરવામાં આવતી આ કામગીરી જ્યારે વરસાદ વરસે છે ત્યારે ટાણા ઉપર જ ખાસ કરીને સોસાયટી વિસ્તારો માટે કોઇ કામની નથી રહેતી અને દર વર્ષે અમુક સોસાયટીઓ પાણી પાણી થઇ જતી હોય છે. તો ગુજરાત હાઉસીંગ બોર્ડની સોસાયટીમાં પાણી તો ભરાસે જ તેવુ પાલિકાએ કહી દીધું હતુું.
અંજારમાં વોર્ડ નંબર- 2,6,7,8 માં નાળા સફાઈની કામગીરી અને પાણીના નિકાલમાં અડચણરૂપ બાવળીયા વગેરે કાઢવાની કામગીરી શરૂ કરવામાં આવી છે. દર વર્ષે કરાતી આ કામગીરી સરાહનિય છે પણ શહેરમાં વિકાસના નામે દબાણો વધી જતાં ખાસ કરીને નવા અંજારના સોસાયટી વિસ્તારોમાં પાણીનો નિકાલ પણ ન થાય તેવી સ્થિતિ હોવાને કારણે માત્ર 1 ઇંચ વરસાદમાં ઘરની અંદર સુધી પાણી આવી જતા હોવાની સમસ્યા હવે કાયમી બની રહી છે.
ગુજરાત હાઉસિંગ બોર્ડના રહેવાસીઓએ કરેલી રજુઆતના પગલે પ્રમુખ વૈભવ કોડરાણી, કારોબારી સમિતિના ચેરમેન પાર્થ સોરઠીયા, શાશક પક્ષના નેતા નિલેશગીરી ગોસ્વામી ઇજનેરોને સાથે લઇ સ્થળ ચકાસણી કરવા આવ્યા હતા અને ચારે તરફ નિરીક્ષણ કર્યા પછી ઇજનેરો અને પ્રમુખ સહિતના પદાધીકારીઓએ પણ કબૂલ કર્યું હતું કે રસ્તાનું લેવલ ઉંચું થઇ ગયું છે અને ઉપરાંત વધી રહેલા દબાણોને કારણે હવે કોઇ રસ્તો નથી.
પણ છેલ્લે કોઇ રસ્તો કરશું તેવી હૈયાધારણ દર વર્ષની જેમ સોસાયટીઓના રહેવાસીઓને અપાઇ હતી. જેમાં રહેવાસીઓએ પણ આ વખતે પણ સહન કરવા સિવાય કંઇ નહીં થાય તેવો જવાબ આપ્યો હતો.

