Gujarat

ભાવનગરના અધેવાડા ગામે જૂની અદાવતે યુવાન પર હુમલો, 4 હુમલાખોરો વિરુદ્ધ ફરિયાદ દાખલ

ભાવનગર શહેરના અધેવાડાગામે મારામારી ની દાઝ રાખી ચાર શખ્સોએ યુવાન પર જીવલેણ હુમલો કરી જાનથી મારી નાંખવાની ધમકી આપતા ઈજાગ્રસ્ત યુવાનને સારવાર અર્થે સરટી હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો છે જયારે ચાર હુમલાખોરો વિરુદ્ધ ભરતનગર પોલીસ સ્ટેશનમાં ફરિયાદ દાખલ થઈ છે.

સમગ્ર બનાવ અંગે જાણવા મળતી વિગતો અનુસાર અધેવાડાગામે ઝાંઝરીયા રોડપર દેવીપૂજક વાસમાં રહેતા લાલુ ધરાશી પરમાર ઉ.વ.27 એ બે દિવસ પહેલા તેના પડોશમાં રહેતા નિલેશ ભીમા ચારોલીયા પર સામાન્ય બાબતે તલવાર-પથ્થર વડે હુમલો કરી મારમારી જાનથી મારી નાંખવાની ધમકી આપી હતી.

આ બનાવની દાઝ રાખી તેના પરીજનો જેમાં ભીમા વાઘા ચારોલીયા,ગદીયો ભીમા ચારોલીયા, તેજા સામત ચારોલીયા તથા જગા ધારશી ચારોલીયા એ ગતરાત્રીના લાલુ ધારશીને રોડ વચ્ચે આંતરી ધારીયા વડે હુમલો કરી ગંભીર ઈજા પહોંચાડી જાનથી મારી નાંખવાની ધમકી આપી ફરાર થઈ ગયા હતા જયારે ઈજાગ્રસ્ત યુવાનને સારવાર અર્થે સરટી હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો છે જયાં તેણે સારવાર ના અંતે ચારેય હુમલાખોરો વિરુદ્ધ ભરતનગર પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવતા પોલીસે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.