દિવાળીપુરામાં 150 કરોડના ખર્ચે 4 વર્ષ પૂર્વે નવનિર્મિત કોર્ટ બિલ્ડિંગ ન્યાય મંદિરમાં આજે બપોર બાદ એકાએક પીઓપી સીલિંગ પડી હતી, જેને પગલે વકીલો-અસીલોમાં ગભરાટ ફેલાયો હતો.
સદનસીબે ઘટનામાં જાનહાનિ થઈ નથી. ન્યાય મંદિરના મુખ્ય ગેટ થઈ પ્રવેશતાં અંદર આવેલા સ્વાગત કક્ષ સામે લિફ્ટ પાસેના પેસેજની ઉપર લગાવેલી પીઓપી સીલિંગ મંગળવારે સાંજે 4:30 વાગે ધડાકા ભર તૂટી પડી હતી. જેને પગલે ત્યાં હાજર વકીલો, કોર્ટ કર્મચારી અને અસીલોમાં ભાગદોડ થઈ હતી.
સીલિંગ તૂટવાના અવાજને પગલે કોર્ટ બિલ્ડિંગમાં હાજર લોકો દોડી આવ્યા હતા. વકીલ મંડળના કારોબારી સભ્ય વિરાજ ઠક્કરે આ અંગે ડિસ્ટ્રિક જજને રજૂઆત કરવાનું નક્કી કર્યું છે, જેમાં કોર્ટમાં કોઈ ઘટના ન બને એ માટે પગલાં ભરવા અને જરૂર પડે બાંધકામ કરનાર ઇજારદાર સામે કડક પગલાં ભરવા માગ કરાશે.જોકે સીલિંગ તૂટવાનો સમય 4 વાગ્યા બાદનો હોવાથી અવર-જવર નહિવત હોય છે, જેથી કોઈને ઇજા થઈ નહોતી.

