રાજ્યના હવામાન વિભાગ દ્વારા ઉત્તર ગુજરાત અને મધ્ય ગુજરાતમાં કેટલાક સ્થળોએ વરસાદની આગાહી કરવામાં આવી હતી. જેના પગલે અમદાવાદમાં સાંજે છ વાગ્યા બાદ શહેરના કેટલાક વિસ્તારોમાં વરસાદ પડ્યો હતો.
સાયન્સ સિટી, એસજી હાઈવે, ચાંદલોડિયા, ગોતા, ઘાટલોડિયા, ચાંદખેડા, ન્યુ રાણીપ, જગતપુર, બોપલ સહિતના વિસ્તારોમાં માત્ર 30 મિનિટમાં અડધો ઇંચથી વધુ વરસાદ પડ્યો હતો. જેમાં પશ્ચિમ વિસ્તારમાં અનેક સ્થળે પાણી ભરાઈ ગયા હતા.
સાંજના સમયે નોકરીથી ઘરે પરત ફરતાં વાહન ચાલકો હેરાન પરેશાન થયા હતા. પશ્ચિમ વિસ્તારમાં ગોતા, સાયન્સ સિટી, ચાંદખેડા, ચાંદલોડિયા, જગતપુર, વિસ્તારમાં જ માત્ર વરસાદ પડ્યો હતો.
ચાંદલોડિયામાં 30 મિનિટમાં એક ઇંચ જ્યારે સાયન્સ સીટી, ગોતા અને ચાંદખેડા વિસ્તારમાં અડધો ઇંચ જેટલો વરસાદ પડ્યો હતો. ચાંદખેડાના ત્રાગડ રોડ ઉપર અડધો ઇંચ જેટલો વરસાદ પડતાની સાથે જ પાણી ભરાઈ ગયા હતા.
જેના કારણે વાહનચાલકો અને ભારે મુશ્કેલીનો સામનો કરવો પડ્યો હતો. ગોતા અને એસ.જી.હાઇવે આસપાસ વરસાદ-સર્વિસ રોડ ઉપર પાણી, ગોતા વિસ્તારના અમુક રોડ ઉપર પાણી ભરાયા છે. માત્ર સામાન્ય વરસાદમાં જ શહેરના અનેક વિસ્તારોમાં પાણી ભરાઈ જાય છે.