Gujarat

મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલની અધ્યક્ષતામાં જામકંડોરણામાં

રાજકોટ જિલ્લાની અગ્રણી સાત સહકારી સંસ્થાઓની વાર્ષિક સાધારણ સભા યોજાઈ

-: મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલ :-

– રાજકોટ સહિત સમગ્ર સૌરાષ્ટ્રમાં સહકારી ક્ષેત્રના વિકાસથી ખેડૂત, ખેતી, મહિલા, ગામડા સક્ષમ બન્યા છે

– “વિના સહકાર નહિ ઉદ્ધાર”, “સૌના સાથ, સૌના વિકાસ”ની સહકારની ભાવના ગુજરાતીઓના સ્વભાવ, સંસ્કારમાં સહજ રીતે વણાયેલી છે

– સહકારી પ્રવૃત્તિઓ થકી  ગરીબ, પછાત, ઉપેક્ષિત, ખેડૂતો અને  શ્રમિકો આર્થિક રીતે સમૃદ્ધ અને પગભર થયા છે

– સહકાર સેવાના સંસ્કારની સાથે, સંસ્કાર સ્વચ્છતા અને સ્વભાવ સ્વચ્છતાને જીવનમાં વણીને સ્વચ્છ ગુજરાત માટે યોગદાન આપીએ

  

પ્રધાનમંત્રીશ્રીના દૂરંદેશીપણા તેમજ મુખ્યમંત્રીશ્રીના પ્રોત્સાહન થકી ગુજરાત ખેતી ક્ષેત્રે ઉત્તરોત્તર પ્રગતિ સાધી રહ્યું છે: કૃષિમંત્રી શ્રી રાઘવજીભાઈ પટેલ

રાજકોટ જિલ્લા સહકારી બેન્કનો ૨૦૨૩-૨૪નો ચોખ્ખો નફો રૂ.૮૭ કરોડસભાસદોને ૧૫ ટકા ડિવિડન્ડ અપાશે: બેન્કના ચેરમેનશ્રીધારાસભ્ય શ્રી જયેશભાઈ રાદડીયા

રાજકોટ ગોંડલ હાઇવે પર પારડી ખાતે પાંચ હજાર ચોરસ મીટરમાં સ્વ. વિઠ્ઠલભાઈ રાદડીયા સહકાર તાલીમ ભવન બનાવવા શ્રી જયેશભાઈ રાદડીયાની જાહેરાત

રાજકોટ જિલ્લા સહકારી બેન્કની અકસ્માત વીમા યોજના અન્વયે સભાસદોના વારસદારોને રૂા. ૧૦  લાખના ચેક તથા વિઠલભાઈ રાદડિયા મેડીકલ સહાય યોજના હેઠળ રૂા.૧૫,૦૦૦ હજારના ચેક મુખ્યમંત્રીશ્રીના હસ્તે અર્પણ કરાયા

મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલના અધ્યક્ષસ્થાને આજે રાજકોટ જિલ્લાના જામકંડોરણા ખાતે, રાજકોટ જિલ્લા સહકારી બેન્ક સહિત જિલ્લાકક્ષાની સાત સહકારી સંસ્થાઓનો વાર્ષિક સાધારણ સભા-સમારોહ યોજાયો હતો. આ વાર્ષિક સાધારણ સભામાં રાજકોટ તથા મોરબી જિલ્લાની સહકારી સંસ્થાઓના પ્રતિનિધિઓ તથા સહકારી આગેવાનો વિશાળ સંખ્યામાં હાજર રહ્યા હતા.

કાર્યક્રમના અધ્યક્ષસ્થાનેથી સંબોધન કરતા મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલે જણાવ્યું હતું કે, વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીએ આપણને “સહકારથી સમૃદ્ધિ”ના સૂત્ર સાથે સહકારી ક્ષેત્રે આગળ વધવાનો કાર્યમંત્ર આપ્યો છે. ગુજરાત આઝાદીના આંદોલનમાં પણ અસહકારની ચળવળમાં અગ્રેસર હતું. આજે એ જ ગુજરાત વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદી અને દેશના પ્રથમ સહકારીતા મંત્રી શ્રી અમિતભાઈ શાહના નેતૃત્વમાં સહકારી ક્ષેત્રમાં અગ્રેસર છે. ગુજરાતમાં આવેલી સહકારી ક્રાંતિને ભારતભરમાં વ્યાપક બનાવવા માટે વડાપ્રધાનશ્રીએ સહકાર મંત્રાલયની સ્થાપના કરેલી છે.

મુખ્યમંત્રીશ્રીએ કહ્યું હતું કે, રાજકોટ સહિત સમગ્ર સૌરાષ્ટ્રમાં સહકારી ક્ષેત્રના વિકાસથી ખેડૂત, ખેતી, મહિલા અને ગામડા સક્ષમ બન્યા છે તેની પ્રતીતિ આજનો આ ઉત્સવ કરાવે છે. રાજકોટ જિલ્લાની સપ્ત સહકારી સંસ્થાઓ જનસેવા અને જન કલ્યાણ માટે જે રીતે કાર્ય કરી રહી છે તે અભિનંદનને પાત્ર છે.

રાજકોટ જિલ્લા સહકારી બેન્કની પ્રગતિની વિગતો સાથે મુખ્યમંત્રીશ્રીએ જણાવ્યું હતું કે, રાજકોટ અને મોરબી જિલ્લાની ૪૫૦ જેટલી સહકારી મંડળીઓના આશરે બે લાખ ૩૫ હજાર જેટલા ખેડુતો આ બેન્ક સાથે જોડાયેલા છે. વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈએ આ બેન્કના નવા ભવનનું ઉદ્ઘાટન કર્યું હતું, તેનો ઉલ્લેખ કરતા મુખ્યમંત્રીશ્રીએ કહ્યું હતું કે, આ બેન્ક આજે નાના માણસોને ૨૪ કલાક રોકડની સેવા આપી રહી છે. આ બેન્ક નાના માણસો અને નાના ખેડૂતોની મોટી બેન્ક તરીકે ઊભરી આવી છે. રાજકોટ જિલ્લા દૂધ ઉત્પાદક સંઘ પણ ગોપાલ ડેરી ચલાવી પશુપાલકોના કલ્યાણ માટે કાર્ય કરી રહ્યો છે. આ સંઘ સાથે જોડાયેલી અડધાથી પણ વઘુ મંડળીઓ મહિલાઓ સંચાલિત છે. આ રીતે વડાપ્રધાનશ્રીના સ્ત્રી સશક્તિકરણ તથા વુમન લેડ ડેવલપમેન્ટના વિચારને રાજકોટ દુધ ઉત્પાદક સંઘ સાર્થક કરી રહ્યો છે.

તેમણે ઉમેર્યું હતું કે, રાજકોટ સહકારી ક્ષેત્રે વર્ષોથી ઉતરોત્તર પ્રગતિ કરતું આવ્યું છે. રાજકોટ અને સૌરાષ્ટ્રની સહકારી સંસ્થાઓએ સહકારિતા ક્ષેત્રે નવા આદર્શો પ્રસ્થાપિત કર્યા છે. સહકારી અગ્રણીઓ સ્વ.શ્રી અરવિંદભાઈ મણીયાર, સ્વ. શ્રી વલ્લભભાઈ તથા સ્વ. શ્રી વિઠ્ઠલભાઈ રાદડિયાને સ્મૃતિ અંજલી આપતા મુખ્યમંત્રીશ્રીએ જણાવ્યું હતું કે, સૌરાષ્ટ્રમાં સહકારિતા ક્ષેત્રને મજબૂત કરવામાં આ મહાનુભાવોનું વિશેષ યોગદાન છે.

“વિના સહકાર નહિ ઉદ્ધાર”, “સૌનો સાથ, સૌનો વિકાસ”ની સહકારીતાની ભાવના ગુજરાતીઓના સ્વભાવ અને સંસ્કારમાં સહજ રીતે વણાયેલી છે, એમ જણાવતા મુખ્યમંત્રીશ્રીએ કહ્યું હતું કે, ગુજરાતની સહકારી ચળવળ સમાજવાદ અને મૂડીવાદ સામે વૈકલ્પિક મોડેલ તરીકે ઊભરી આવી છે.

આપણે ત્યાં સેવા મંડળી, ક્રેડિટ મંડળી, મહિલા મંડળી, મચ્છી મંડળીના કારણે દલિત, ગરીબ, પછાત, ઉપેક્ષિત, ખેડૂતો અને અને શ્રમિકો આર્થિક રીતે સમૃદ્ધ અને પગભર થયા છે. ગુજરાતે મેક્રો અને માઈક્રો સ્તરે સહકારીતાના લક્ષ્યાંકો સિદ્ધ કર્યા છે.

સહકારી ક્રાંતિ સાથે ગ્રીન ગ્રોથને પ્રોત્સાહન આપવા અપીલ કરતા મુખ્યમંત્રીશ્રીએ કહ્યું હતું કે, સહકાર સેવાના સંસ્કારની સાથે, સંસ્કાર સ્વચ્છતા અને સ્વભાવ સ્વચ્છતાને જીવનમાં વણીને સ્વચ્છ ગુજરાત માટે યોગદાન આપીએ. સૌ સાથે મળીને સ્વચ્છ અને નિર્મળ ગુજરાત બનાવીએ.

વડાપ્રધાન શ્રી નરેન્દ્ર ભાઈ મોદીએ શરૂ કરાવેલું “એક પેડ માઁ કે નામ” અભિયાન હવે માત્ર વૃક્ષારોપણ અભિયાન જ નથી રહ્યું પણ તે સ્વચ્છ, સ્વસ્થ અને ગ્રીન ગુજરાતના બહુ આયામી મંત્રને પ્રોત્સાહન આપી રહ્યું છે. આજે દેશમાં વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદી તથા સહકારિતા મંત્રી શ્રી અમિતભાઈ શાહના નેતૃત્વમાં દેશમાં વિકસી રહેલી સહકારી પ્રવૃત્તિઓનું વિશાળ વટવૃક્ષ વિકસિત રાષ્ટ્રના ધ્યેયને સિદ્ધ કરવામાં મહત્વનું યોગદાન આપશે એવો વિશ્વાસ પણ તેમણે વ્યક્ત કર્યો હતો.

આ તકે કૃષિ અને પશુપાલન મંત્રી શ્રી રાઘવજીભાઈ પટેલે જિલ્લા સહકારી બેન્કની વિશિષ્ટ સિદ્ધિઓ જણાવતા કહ્યું હતું કે, રાજકોટ જિલ્લા સહકારી બેન્ક દ્વારા ખેડૂતોને રૂ. ૧૦ લાખનો અકસ્માત વીમો અને ગંભીર માંદગીના કિસ્સામાં રૂ. ૧૫ હજારની સહાય આપવામાં આવે છે.

વધુમાં, તેમણે સરકારના ખેડૂત કલ્યાણલક્ષી પ્રયાસો વર્ણવતા જણાવ્યું હતું કે પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્રભાઈ મોદી અને  કેન્દ્રીય સહકારીતા મંત્રી શ્રી અમિતભાઈ શાહના માર્ગદર્શન હેઠળ કેન્દ્ર સરકાર લાખો ધરતીપુત્રો પાસેથી વિવિધ જણસીઓની વાજબી અને પોષણક્ષમ ભાવે ટેકાની ખરીદી કરીને તેઓને આર્થિક સહાય કરી રહી છે. તેમજ વડાપ્રધાનશ્રીના ‘ખેડૂતોની આવક બમણી કરવા’ના સપનાને સાકાર કરવા મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલના વડપણ હેઠળ વિવિધ કલ્યાણકારી યોજનાઓના અમલીકરણ થકી રાજ્યભરના ખેડૂતો સમૃદ્ધ બની રહ્યા છે. આમ, પ્રધાનમંત્રીશ્રીના દૂરંદેશીપણા તેમજ મુખ્યમંત્રીશ્રીના પ્રોત્સાહન થકી ગુજરાત ખેતી ક્ષેત્રે ઉતરોત્તર પ્રગતિ સાધી રહ્યું છે. ત્યારે વર્ષ ૨૦૪૭ સુધીમાં વિકસિત ભારતના ધ્યેયને સિદ્ધ કરવા સહકારી સંસ્થાઓ હજુ વધુ સહયોગી બનશે તેવી આશા  કૃષિમંત્રીશ્રીએ વ્યક્ત કરી હતી.

જેતપુર-જામકંડોરણાના ધારાસભ્ય શ્રી જયેશભાઈ રાદડિયાએ જણાવ્યું હતું કે ખેડૂતોને સારા-માઠા પ્રસંગોમાં મદદ કરવા માટે રાજકોટ જિલ્લા સહકારી બેન્ક કાયમી ધોરણે અડીખમ ઊભી રહી છે. અનેક વિશિષ્ટ કામગીરી બાબતે દેશભરની સહકારી બેન્કોને આ બેન્કે નવો રાહ ચિંધ્યો છે. ખેડૂતોએ પણ વિપરીત પરિસ્થિતિમાં રાજકોટ ડિસ્ટ્રિકટ બેન્ક ઉપર વિશ્વાસ મૂક્યો છે. ખેડૂતોના વિશ્વાસને કારણે રાજકોટ જિલ્લાના સહકારી માળખાને દેશભરમાં અગ્રસર બનાવવામાં સફળ રહ્યા છીએ. આ બેન્કમાં ખેડૂતોને કે.સી.સી. ધિરાણમાં વ્યાજ માફી આપવામાં આવે છે. સહકારી માળખું ગ્રામ્ય લોકો, ખેડૂતો અને શ્રમિકો માટે છે, ત્યારે તેઓનું હિત અને કલ્યાણ રાજકોટ જિલ્લા સહકારી બેંકનું લક્ષ્ય છે.

ધારાસભ્યશ્રીએ પ્રાસંગિક ઉદબોધનમાં વર્ષ ૨૦૨૩-‘૨૪ માટે સભાસદોને ૧૫% ડિવિડન્ડ આપવાની જાહેરાત કરી હતી. તેમજ તેમણે શેર ભંડોળ, રિઝર્વ ફંડ, થાપણો, ધિરાણો, રોકાણોમાં છેલ્લા સાત વર્ષ દરમિયાન થયેલા વધારાને રજૂ કર્યો હતો. ઉપરાંત, તેમણે કેન્દ્ર સરકારની ‘સહકાર સે સમૃદ્ધિ’ યોજના અન્વયે ખેડુતોના બેન્કમાં ખાતા ખોલાવવાની કામગીરીને ધ્યાને લઈને બેન્ક લોન મેળવતી દરેક ખેતી વિષયક મંડળીઓના મંત્રીઓને પ્રોત્સાહિત રકમ રૂ. ૫૦૦૦ આપવા, ગ્રામ્ય સૌર ઊર્જા યોજના હેઠળ રૂ. ૩ લાખની મર્યાદામાં લોન આપવા સહિતની જાહેરાતો કરી હતી.

આ તકે રાજકોટ જિલ્લા સહકારી બેન્કના ચેરમેન શ્રી જયેશભાઈ રાદડિયાએ સહકારી ક્ષેત્ર માટે નવું તાલીમ ભવન બનાવવાની જાહેરાત કરતા કહ્યું હતું કે, રાજકોટ ગોંડલ હાઇવે પર પારડી ખાતે પાંચ હજાર ચોરસ મીટરમાં સ્વ. વિઠ્ઠલભાઈ રાદડિયા સહકાર તાલીમ ભવન બનાવવામાં આવશે.

આ તકે રાજકોટ જિલ્લા સહકારી બેન્કની ૬૫મી વાર્ષિક સાધારણ સભા શ્રી જયેશભાઈ રાદડિયા, ચેરમેનશ્રી – શ્રી રાજકોટ ડિસ્ટ્રિકટ કો–ઓપ.બેંક લીના અધ્યક્ષસ્થાને મળી હતી. શ્રી જયેશભાઈ રાદડિયાએ બેન્કનો સને ૨૦૨૩–૨૦૨૪ના વર્ષનો ચોખ્ખો નફો રૂ.૮૭ કરોડ થયાની અને સભાસદોને ૧૫ ટકા ડિવિડન્ડ આપવાની જાહેરાત કરી હતી. આ વાર્ષિક સાધારણ સભામાં ૧૫ વર્ષથી વધુ સતત પ્રમુખ તરીકે સેવા આપનાર પ્રમુખશ્રીઓને સાફો, ફુલહાર, શાલ, શિલ્ડ અને પુરસ્કાર રૂપે રૂા.૨૧,૦૦૦ના ચેકથી સન્માનિત કરવામાં આવ્યાં હતા.

આ સાથે બેન્કની અકસ્માત વીમા યોજના અન્વયે અકસ્માતે અવસાન પામેલા ૧૨ સભાસદોના વારસદારોને રૂા. ૧૦ લાખના ચેક તથા વિઠ્ઠલભાઈ રાદડિયા મેડીકલ સહાય યોજના હેઠળ રૂા.૧૫,૦૦૦ હજારનાં ચેક મુખ્યમંત્રીશ્રીના હસ્તે અર્પણ કરવામાં આવ્યા હતા.

આ તકે ઈફકો–ન્યુ દિલ્હીના ચે૨મેન શ્રી દિલીપભાઈ સંઘાણીએ પ્રાસંગિક પ્રવચન કર્યું હતું.

મુખ્યમંત્રીશ્રી જામકંડોરણા હેલિપેડ પધાર્યા ત્યારે જિલ્લા કલેકટર શ્રી પ્રભવ જોશી, નાયબ રેન્જ આઈ.જી. શ્રી જયપાલસિંહ રાઠોર, જિલ્લા વિકાસ અધિકારી ડૉ. નવનાથ ગવ્હાણેએ તેમનું પુષ્પગુચ્છથી અદકેરું સ્વાગત કર્યું હતું.

આ કાર્યક્રમમાં સાંસદ શ્રી રામભાઈ મોકરિયા, જિલ્લા પંચાયત પ્રમુખ શ્રીમતિ પ્રવિણાબહેન રંગાણી, રાજકોટ મહાનગર પાલિકાના મેયર શ્રી નયનાબહેન પેઢડિયા, ધારાસભ્યો સર્વ શ્રી દુર્લભજીભાઈ દેથરિયા, શ્રી કાંતિભાઈ અમૃતિયા, શ્રી રમેશભાઈ ટીલાળા, ડૉ. મહેન્દ્રભાઈ પાડલિયા, મોરબી જિલ્લા પંચાયત પ્રમુખ સુશ્રી હંસાબેન પારઘી, અગ્રણી સર્વશ્રી ડૉ. ભરતભાઈ બોઘરા અને  શ્રી અલ્પેશભાઈ ઢોલરિયા, સહકારી મંડળીઓના રજિસ્ટ્રાર શ્રી ઉપાધ્યાય, ગુજરાત સ્ટેટ કો.-ઓપ. બેન્કના ચેરમેન શ્રી અજયભાઈ પટેલ, નાબાર્ડના સી.ઈ.ઓ.શ્રી બી. કે. સીંઘલ, નાબાર્ડના જનરલ મેનેજર શ્રી સોમેન્દરસિંઘ, રાજકોટ ડિસ્ટ્રી. કો.-ઓપ. બેન્કના વા.ચે૨મેન શ્રી મગનભાઈ વડાવીયા, મેનેજીંગ ડિરેકટ૨ શ્રી ઘનશ્યામભાઈ ખાટરીયા, જનરલ મેનેજર શ્રી વી.એમ. સખીયા, રાજકોટ દૂધ સંઘના અધ્યક્ષ શ્રી ગોરધનભાઈ ધામેલિયા, રાજકોટ ડેરીના પૂર્વ અધ્યક્ષ શ્રી ગોવિંદભાઈ રાણપ૨ીયા, અન્ય સહકારી આગેવાનો, ખેડૂતો હાજર રહ્યા હતા.