Gujarat

જામનગરમાં ઉનાળાના પ્રારંભ પહેલા એક કિલો લીંબુના ભાવ રૂા.200 થયા

જામનગરમાં છેલ્લા 20 દિવસમાં શાકભાજીના ભાવમાં કીલોએ સરેરાશ રૂ.100 નો વધારો થતા ગૃહિણીઓમાં દેકારો બોલી ગયો છે. જામનગરમાં સામાન્ય રીતે હોળી-ધૂળેટી બાદ ઉનાળાના આકરા તાપની શરૂઆત થતી હોય છે. પરંતુ આ વર્ષે વાતાવરણમાં સતત પલટાની માઠી અસર શિયાળુ પાક પર થતાં શાકભાજીના ભાવ આસમાને પહોંચ્યા છે.

હજુ ઉનાળો શરૂ થયો નથી ત્યાં રોગપ્રતિકારક શક્તિ વધારતા અને શરીરમાં શક્તિ જાળવી રાખતા લીંબુની માંગમાં વધારો થયો છે.

જેના પગલે છેલ્લા 20 દિવસમાં લીંબુના ભાવમાં કિલોએ રૂ.100નો વધારો નોંધાયો છે. જામનગરમાં લીંબુ સ્નાનિકની સાથે ભાવનગર, મોરબીથી આવે છે. પરંતુ માંગની સામે આવક ઓછી હોવાથી બજારમાં લીંબુ રૂ. 180 થી 200ના કિલો વહેંચાઈ રહ્યાનું શાકભાજીના વેપારી ધારશીભાઈ ગઢવીએ જણાવ્યું હતું.

લીંબુની સાથે જ મરચા પણ રૂ. 100પ્રતિ કિલો વેચાઈ રહ્યા છે. ગુવાર, ભીંડો, વટાણા, ફુલાવર સહિતના શાકભાજીના ભાવમાં કિલોએ રૂ. 5 થી 30 સુધીનો વધારો થયો છે.