Gujarat

ફકત 3 દિ’માં વરસાદે તમામ ખોટ ભરપાઇ કરી દીધી

જામનગર જિલ્લામાં ફકત ત્રણ દિવસમાં વરસાદે તમામ ખોટ ભરપાઇ કરી દીધી છે. કારણ કે, 26 થી 28 ઓગષ્ટ દરમ્યાન 55.86 ટકા પાણી વરસી જતાં મોસમનો કુલ વરસાદ 159.97 ટકાએ પહોંચ્યો છે. જિલ્લાના તમામ તાલુકાઓમાં 117થી 192 ટકા સુધી વરસાદ વરસી ગયો છે. ધ્રોલ તાલુકામાં સૌથી ઓછો 117.24 ટકા વરસાદ વરસ્યો છે.

જામનગર જિલ્લામાં દર વર્ષની જેમ આ વર્ષે ચોમાસાનું 15 જૂન પછી વિધિવત આગમન થયું હતું. પરંતુ ત્યારબાદ વરસાદ આંશિક ખેંચાયો હતો. વરસાદના બે રાઉન્ડમાં સમયાંતરે હળવા-ભારે મેઘવર્ષાના કારણે 25 ઓગષ્ટ સુધીમાં 100 ટકા વરસાદ થયો ન હતો. પરંતુ વરસાદની બે સિસ્ટમના કારણે રાજય સહિત જામનગરમાં મેઘરાજાએ 26 થી 28 ઓગષ્ટ તોફાની બેટીંગ કરતા 55.86 ટકા વરસાદ પાણી વરસી જતાં જિલ્લામાં ચોમાસાનો કુલ સરેરાશ વરસાદ 159.97 ટકાએ પહોંચ્યો છે.

આમ ફકત ત્રણ દિવસમાં મેઘરાજાએ તમામ ખોટ ભરપાઇ કરી દીધી છે. મેઘરાજની મહેરના કારણે નદી-નાળા, ચેકડેમ, જળાશયો છલકાતા પીવાના પાણીની સમસ્યા એક ઝાટકે દૂર થતાં શહેરીજનોમાં આનંદની લાગણી ફેલાઇ છે. બીજી બાજુ રવિપાકનું ચિત્ર ઉજળું બનતા ખેડૂતોમાં ખુશીની લાગણી ફેલાઇ છે. હજુ ભાદરવો મહિનો બાકી છે. ત્યારે આગામી દિવસોમાં હજુ વરસાદની શકયતા સેવાઇ રહી છે.