ગુજરાત રાજ્ય સૂચિત મુખ્ય શિક્ષક (એચ.ટી.એ.ટી.) સંઘના નેજા હેઠળ સમગ્ર રાજ્યમાં મુખ્ય શિક્ષકોના પ્રશ્નોના નિરાકરણ માટે ગઈકાલે સોમવારે રાજ્યના અન્ય જિલ્લાઓ સાથે દેવભૂમિ દ્વારકા જિલ્લામાં પણ કલેક્ટરને આવેદનપત્ર આપવામાં આવ્યું હતું.
રાજ્યમાં પ્રાથમિક શિક્ષણની ગુણવત્તા સુધારવા માટે વર્ષ 2012માં તત્કાલીન મુખ્યમંત્રી અને હાલના વડાપ્રધાન નરેન્દ્ર મોદીના સમયમાં હેડ ટીચર કેડર (એચ.ટી.એ.ટી.) અસ્તિત્વમાં આવી હતી. આ કેડરની રચના પછી હેડ ટીચર કેડરના કર્મચારીઓની કુનેહ થકી શિક્ષણમાં ગુણાત્મક સુધારો જોવામાં આવી રહ્યો છે. એવા સંજોગોમાં આ કેડરને પ્રોત્સાહન આપવાના બદલે બાર-બાર વર્ષે પણ આ કેડરના બદલી, બઢતી, ઇજાફા સહિતના રુલ્સ એન્ડ રેગ્યુલેશન જાહેર ન થતા મુખ્ય શિક્ષકોમાં અસંતોષની લાગણી જોવા મળી રહી છે.
જેના પરિણામે સરકાર સમક્ષ પોતાની માંગણી રજૂ કરવા માટે દેવભૂમિ દ્વારકા જિલ્લા મુખ્ય શિક્ષક સંકલ્પના પ્રમુખ રામભાઈ ચાવડા, મહામંત્રી નગાભાઈ રાવલિયા સહિતના જિલ્લાના હોદ્દેદારો અને જિલ્લામાં કામ કરતાં મુખ્ય શિક્ષકો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા અને જિલ્લા કલેકટરને આવેદન સુપ્રત કર્યું હતું. આ કેડરના નિયમો વહેલી તકે જાહેર કરવામાં આવે તેવી માંગ આ શિક્ષકોની છે.