ખંભાળિયા તાલુકાના વાડીનાર નજીક આવેલી નયારા એનર્જી દ્વારા પર્યાવરણ દિવસને ઉનુલક્ષીને સ્પતાહ દરમિયાન વૃક્ષારોપણની સાથે સાથે પર્યાવરણ વિષે જાગૃતતા આવે એ માટે વૈવિધ્યતાસભર કાર્યક્રમોનું આયોજન કરી ઉજવણી કરવામાં આવી હતી.

પર્યાવરણની સુરક્ષા માટે જાગૃતિ અને તે અંગે થઇ રહેલી કાર્યવાહીને પ્રોત્સાહિત કરવા માટે નયારા એનર્જીના ઔદ્યોગિક સામાજિક જવાબદારી વિભાગ દ્વારા એક સપ્તાહ સુધી વિવિધ કાર્યક્રમોનું આયોજન કરવામાં આવ્યું હતું.
જેમાં રિફાઇનરીની નજીક આવેલા 13 ગામોમાં 300થી વધુ સહભાગીઓના હસ્તે 450થી વધુ વૃક્ષોનું રોપણ કરવામાં આવ્યું હતું. એક નવતર પહેલના ભાગરૂપે વૃક્ષારોપણની સાથે ઓર્ગેનિક ઉત્પાદનો જેવા કે મસાલા, બાજરી અને શાકભાજીનું પ્રદર્શન પણ યોજવામાં આવ્યું હતું.

“સ્વચ્છ હાલાર” કાર્યક્રમ અંતર્ગત જામનગરના સરદાર વલ્લભભાઈ પટેલ એમ્યુઝમેન્ટ પાર્ક પાસે તેમજ ખંભાળિયાના વોર્ડ નંબર 7 માં પ્લાસ્ટિકની ખરાબ અસરો, પ્લાસ્ટિક રિ-સાયકલિંગ, તેમની શેલ્ફ લાઇફ અને પ્લાસ્ટિકને બદલવા માટે ઉપયોગમાં લઈ શકાય તેવા વિકલ્પોને લગતા મુદ્દાઓ પર સમજ અપાઈ હતી. જેમાં 300થી વધુ લોકોએ ભાગ લીધો હતો. ખંભાળિયાના ઇન્ક્યુબેશન સેન્ટરમાં કાપડના કચરામાંથી બનાવેલ વિવિધ અપસાયકલ ઉત્પાદનો દર્શાવતું કાઉન્ટર પણ હતું.

નયારા એનર્જીના પ્રોજેક્ટ તુષ્ટિ હેઠળ જામનગર, દેવભૂમિ દ્વારકા અને નર્મદા જિલ્લાની 20 આંગણવાડીઓમાં ચીકુ, લીમડા જેવા વૃક્ષોનું રોપણ, આંગણવાડીની આસપાસ સફાઈ, આંતરિક તળાવ બનાવવા, ફળિયામાં પર્યાવરણ સાકાર કરવું, પક્ષીઓ માટે બર્ડ ફીડર બનાવવું વગેરે જેવા કાર્યો કરવામાં આવ્યા હતા જેમાં બાળકોની સાથે આંગણવાડીની બહેનોએ પણ ઉત્સાહસભેર ભાગ લીધો હતો.


