Gujarat

સુરતમાં એક જ દિવસમાં ત્રણ, ભરૂચમાં બે અને અમદાવાદમાં એકનું હાર્ટએટેકથી મોત

ગુજરાતમાં હાર્ટએટેકથી બે દિવસમાં છના મોત થતાં સન્નાટો છવાઈ ગયો છે. તબીબી વર્તુળો પણ સ્તબ્ધ છે. ગુજરાતમાં હાર્ટ એટેકથી થતો મોતનો સિલસિલો અટકવાનું નામ જ લઈ રહ્યો નથી. ગુજરાતમાં હાર્ટએટેકથી સુરતમાં એક જ દિવસમાં ત્રણ, ભરૂચમાં બે અને અમદાવાદમાં એકનું મોત થયું છે. આ સિવાય રેકોર્ડ બતાવે છે કે દર સાત મિનિટે એક ગુજરાતી હાર્ટએટેકનો ભોગ બની રહ્યો છે.

ભરૂચના જંબુસરમાં હાર્ટએટેકથી બેના મોત થયા છે. ભરૂચના કાવા ગામના ચંદુભાઈ પરમાર નામની વ્યક્તિનું હાર્ટએટેકથી મોત થયું છે. આ ઉપરાંત જંબુસરના કનુભાઈ માછીનું પણ હાર્ટએટેકથી મોત થયું છે. જ્યારે અમદાવાદના એક વેપારીનું હાર્ટએટેકથી મોત થયું છે.

સુરતના રાંદેર,અડાજણ અને કતારગામમાં હાર્ટએટેકથી નિધન થયા હતા. હાર્ટએટેકમાં ત્રણેયમાં એક વાત કોમન એ હતી કે છાતીમાં દુઃખાવો થયા પછી ત્રણેયને મોત આવ્યું હતું. સુરતના દિવ્યેશને અચાનક છાતીમાં ગભરામણ થવા લાગી હતી. તેના કુટુંબીજનો તેમને સારવાર માટે ખાનગી હોસ્પિટલમાં લઈ ગયા હતા. તેમને ત્યાં ફરજ પરના ડોક્ટરોએ સારવાર મળે તે પહેલા જ મૃત્યુ પામેલા જાહેર કર્યા હતા.

આ ઉપરાંત સુરેખાબેન નામની મહિલા ઘરે સવારે અચાનક બેભાન થઈ ગયા હતા તો તેમને સારવાર માટે હોસ્પિટલ લઈ જવાયા તો ડોક્ટરે મૃત્યુ પામેલા જાહેર કર્યા હતા. જ્યારે મુન્નાદેવી નામની મહિલાને અચાનક છાતીમાં દુઃખાવો ઉપડ્‌યો ત્યારે તેને હોસ્પિટલ લઈ જવાઈ હતી. તે સમયે તેમને ફરજ પરના ડોક્ટરે મૃત્યુ પામેલા જાહેર કર્યા હતા.