Gujarat

સાવરકુંડલામાં સાવજે પશુનો શિકાર કરી રોડ કિનારે જ મિજબાની માણી, સમગ્ર ઘટનાનો વીડિયો વાઇરલ

અમરેલી જિલ્લામાં સિંહોની સંખ્યા સતત વધી રહી છે, જેથી તેઓ જંગલ વિસ્તાર છોડી ગ્રામ્ય વિસ્તારમાં શિકારની શોધમાં લટાર મારી રહ્યા છે. ત્યારે પશુઓનું મારણ કરવાની ઘટનાઓ પણ સતત વધી રહી છે. આ વચ્ચે સાવરકુંડલાના સેંજળ ગામ નજીક રોડ કાંઠે ધોળા દિવસે એક સિંહે પશુનો શિકાર કર્યો હતો.

જે ઘટના કોઈએ કેમેરામાં કેદ કરી લીધી હતી, જેનો વીડિયો હાલ સોશિયલ મીડિયામાં વાઇરલ થઈ રહ્યો છે. સાવરકુંડલાના ગ્રામ્ય વિસ્તારમાં સિંહોની લટાર જોવા મળી રહી છે. ત્યારે સેંજળ ગામ નજીક બાવળની જાડીમાંથી સિંહે આવી એક પશુ પર હુમલો કર્યો હતો.

એ બાદ એની મિજબાની માણી હતી. રોડ કાંઠે જ બાવળની જાડીઓમાં સિંહે પશુનું મારણ કરી મિજબાની માણી હતી. સિંહે ધોળા દિવસે પશુનો શિકાર કર્યો હોવાની ઘટનાને ત્યાંથી પસાર થઈ રહેલા કોઈ વાહનચાલકે કેમેરામાં કેદ કરી હતી, જેનો વીડિયો વાઇરલ થયો છે.

ગ્રામ્ય વિસ્તારમાં વન્ય પ્રાણીઓ દ્વારા રેઢિયાર પશુના મારણની ઘટનાઓ વધી રહી છે. સિંહો સહિતના વન્ય પ્રાણીઓ શિકારની શોધમાં આમ તેમ ભટકી રહ્યાં છે. એને પગલે ખેડૂતો તેમજ સ્થાનિકોમાં ફફડાટ ફેલાયો છે.