જામનગરમાં ગંદકી, ખાડા, રોગચાળા મુદે મહાપાલિકાની સામાન્ય સભામાં વિપક્ષે તડાપીટ બોલાવી સતાધીશો પર પસ્તાળ પાડી હતી. શહેર ખાડાનગર બનતા વાહનચાલકો ત્રાહિમામ પોકારી ગયા હોય યુધ્ધના ધોરણે માર્ગોનું પેચવર્ક કરવા ઉગ્ર માંગણી કરી હતી. મંજૂર થયેલું ત્રીજું સ્મશાન કોના કહેવાથી બનતું નથી તેવો ટોણો વિપક્ષે મારતા ચેરમેને ટૂંક સમયમાં કામ શરૂ થવાની હૈયાધારણા આપી હતી.
જામનગર મહાપાલિકાની સામાન્ય સભા મેયર વિનોદ ખીમસૂર્યાના અધ્યક્ષ સ્થાને મંગળવારે મળી હતી. જેમાં એજન્ડા મંજૂર થયા બાદ પ્રશ્નોતરીમાં વિપક્ષ કોંગ્રેસના નગરસેવકોએ શહેરમાં કોલેરા, ચાંદીપુરાના રોગચાળા, ગંદકી અને ખાડા પ્રશ્ને સતાધીશો પર પસ્તાળ પાડી હતી. કોંગી નગરસેવક અલ્તાફ ખફીએ કહ્યું હતું કે, અમારા વોર્ડના અમુક વિસ્તારોમાં તો ચોમેર ગંદકી જોવા મળી રહી છે.
આ ગંદકી વચ્ચે એક દિવસ રહો તો રૂ.50000 ઇનામ આપીશ તેમ કહી ભારે રોષ વ્યકત કર્યો હતો. જયારે વિપક્ષના કોર્પોરેટર અસલમ ખીલજી અને આનંદ રાઠોડે જણાવ્યું હતું કે, દિગ્વિજય પ્લોટ વિસ્તારમાં હોસ્પિટલ પાસે ગંદકીના ગંજ જોવા મળી રહ્યા છે. આટલું જ નહીં મોરકંડા નદીમાં ગંદુ પાણી ઠાલવામાં આવી રહ્યાનો આક્ષેપ પણ કર્યો હતો.
વધુમાં જણાવ્યું હતું કે, કાલાવડ નાકા બહાર આવેલા પુલના સળીયા દેખાઇ ગયા હોય અકસ્માતનો ખતરો ઝંળુબી રહ્યો છે. આ બાબતે વારંવાર રજૂઆત કરવા છતાં કોઇપણ પ્રકારની કાર્યવાહી કરવામાં આવતી નથી.

