વિદેશમાં અભ્યાસ કરતા બે વિદ્યાર્થીના વાલીઓ સાથે ફી ભરવાના નામે રૃ.૨૨.૫૦ લાખની છેતરપિંડી થતાં તેમણે ગોત્રી પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી છે. વાસણા-દેવનગર રોડ પર કેયા ડુપ્લેક્સ ખાતે રહેતા દિપકભાઇ પટેલે પોલીસને કહ્યું છેકે,મારો પુત્ર યુએસની ટેમ્પલ યુનિ.માં અભ્યાસ કરતો હોવાથી તેની ફી ભરવાની હતી.
જેથી તેનો મિત્ર પાર્થિવ વિનોદભાઇ પટેલ(મંગલમંદિર સોસાયટી,સુભાનપુરા) ગઇ તા.૧૫-૮-૨૩ના રોજ અમારે ત્યાં આવ્યો હતો અને હું ફી ભરી દઇશ પછી મને પૈસા આપજાે તેમ કહી આઇડી-પાસવર્ડ લીધા હતા.પાર્થિવે મને રિસિપ્ટ બતાવતાં મેં તેને રૃ.૧૫.૫૦ લખ ટ્રાન્સફર કર્યા હતા.
આવી જ રીતે મારા મિત્ર હરિવદનસિંહની પુત્રી પણ કેનેડાની વિન્સર યુનિ.માં અભ્યાસ કરતી હોવાથી તેની ફી ના પણ રૃ.૭ લાખ આપ્યા હતા.પરંતુ બંને વિદ્યાર્થીની ફી ભરાઇ નહતી.પાર્થિવને પૂછતાં તેણે સુમિત ઉર્ફે ચન્દ્રકાન્ત ઉર્ફે ચંદન જગજીત સિંગ ધારીવાલ(ગુરૃનાનક નગર,મનજીપુરા રોડ,નડિયાદ)ને આ કામ સોંપ્યું હોવાનું કહ્યું હતું.
સુમિતે મારી સાથે વાત કરી ભૂલથી ફી નહિ ભરાઇ હોવાનું કબૂલી વાયદા કર્યા હતા. વાલીએ કહ્યું છે કે,મને આપેલો ચેક પણ બાઉન્સ થયો હતો અને આજ સુધી રકમ મળી નથી.જેથી પોલીસે પાર્થિવ અને સુમિત સામે ગુનો નોંધ્યો છે.