Gujarat

પાલનપુર પાલિકાની સાધારણ સભામાં લીઝની દુકાનોના ભાડા વધારાનો ઠરાવ મુલતવી રહ્યો

પાલનપુર નગરપાલિકામાં 8 કરોડની વિકાસકામોની ગ્રાન્ટ સહિતના જુદા જુદા 14 એજન્ડાને લઈ સાધારણ સભા યોજાઈ હતી, વિપક્ષી નેતાએ ઠરાવો વિગત વાર વંચાણે લેવાની બાબત પર ભાર મૂકવા છતાં ઓફિસ સુપ્રિન્ટેન્ટ દ્વારા જુદા જુદા કામો સતત વાંચતા અને ભાજપના નગરસેવકો દ્વારા મંજૂર મંજૂર કહેતા કોંગ્રેસી સભ્યોએ વિરોધ નોંધાવી વોકઆઉટ કર્યું હતું અને બેનરો સાથે 100 મીટર ચાલી સીમલા ગેટ બાબાસાહેબ આંબેડકર ની પ્રતિમા આગળ સૂત્રોચ્ચાર કરી વિરોધ પ્રદર્શન કર્યું હતું.

બીજી તરફ 18 જુલાઈએ થયેલી કારોબારી સમિતિની મિટિંગમાં શહેરના 1200 દુકાનોના ભાડા વધારાનો જે મહત્વનો નિર્ણય લેવાયો હતો તે હાલ પૂરતો સ્થગિત કરી ફેરવિચારણા માટે પરત કારોબારીમાં મોકલાયો હોવાનું પાલિકા પ્રમુખ ચીમનલાલ સોલંકી દ્વારા જાહેર કરાયું હતું. સાધારણ સભામાં કર્મચારીઓની ભરતી અને ભરતી માટેના નિયમો મંજૂર કરવા માટે, માનસરોવર તળાવમાં જુદી જુદી ત્રણ ચાર બાબતો વધારાની ઉમેરવા ભૂગર્ભ ગટર લાઈન અને પંપિંગ સ્ટેશનના ઓપરેશન અને મેન્ટેન્સની કામગીરી માટેની ટેન્ડર પ્રક્રિયા હાથ ધરવા, સ્વચ્છ ભારત મિશન પે એન્ડ યુઝ બનાવવા બાબત, રહેણાક વિસ્તારોમાં ગટર કનેક્શનની કામગીરી ટેન્ડરિંગ પ્રક્રિયા મંજુર કરવા, એક કરોડના ખર્ચે આઇકોનિક રોડ બનાવવા, સબ વાહિનીને રીપેરીંગ કરાવવા, ભૂગર્ભ ગટર રીપેરીંગ માટે માલ સામાન મટીરીયલ્સ ની તેમજ લેબર કામગીરી કરાવવા ટેન્ડરિંગ પ્રક્રિયા સહિતના જુદા જુદા 14 કામોને વિપક્ષના વિરોધ વચ્ચે મંજૂરી આપવામાં આવી હતી.