Gujarat

આમાં શહેરમાં સ્વચ્છતા કયાંથી રહે! ભૂગર્ભ ગટરના વાહનો સહિત ઈલેક્ટ્રીક મોટરો પણ બંધ હાલતમાં

માણાવદર શહેરમાં ભૂગર્ભ ગટર ગંદા પાણીના નિકાલની ૧૫૦થી વધુ  ફરિયાદો…..! 
માણાવદર નગરપાલિકા તંત્રની દિવસે ને દિવસે પરિસ્થિતિ ખરાબ થઈ રહી છે ત્યારે લોકો ની સમસ્યાથી નગરપાલિકા તંત્ર પણ ઘેરાઈ ગયું છે. એકબાજુ સ્વચ્છતા પખવાડીયું ઉજવાઈ રહ્યું છે તો બીજી તરફ માણાવદર નગરપાલિકામાં માત્ર ભૂગર્ભ ગટરના પાણી નિકાલની જ 150 જેટલી ફરિયાદોઓનાં ઢગલા થઈ ગયા છે. ત્યારે આ સમસ્યાનું નિવારણ ન થતા લોકો પણ ત્રાહિમામ પોકારી ગયા છે.
માણાવદરના શહેરના લોકોની સુખાકારી માટે રાજ્ય સરકાર દ્વારા કરોડોના ખર્ચે સમગ્ર વિસ્તારમાં ભૂગર્ભ ગટરનું નિર્માણ કરવામાં આવ્યું હતું. પરંતુ આ ભૂગર્ભ ગટર લોકોની સુખાકારી માટે નહીં અત્યારે તો લોકો માટે આફતરૂપ છે તેવો તાલ સર્જાયો છે ત્યારે પ્રાદેશિક કમિશનર કચેરી દ્વારા આ બાબતે યોગ્ય તપાસ કરવી જરૂરી છે.
ભૂગર્ભ ગટર સાફ-સફાઈ માટે અન્ય નગરપાલિકા પાસેથી વાહન મંગાવવું પડે છે.
માણાવદર નગરપાલિકાના મોટુ જેટી વાહન પણ ઘણા સમયથી રીપેરીંગમાં છે ત્યારે માણાવદર શહેરની ફરિયાદો માટે અન્ય નગરપાલિકા એટલે કે બાંટવા નગરપાલિકા પાસેથી મંગાવવાની પણ ફરજ પડે છે.
ઈલેક્ટ્રીક મોટરો પણ બંધ હાલતમાં..
શહેરની ભૂગર્ભ ગટરના પાણી ખેંચી શકે તે માટે ઝોન વાઇઝ સંપમાં ઈલેક્ટ્રીક મોટરો ફીટ કરવામાં આવેલી છે. જેમાં રઘુવીરપરા સંપમાં 60 HP -1 મોટર, 40 HP ની – 2 મોટર, જડેશ્વર મંદિર પાસે સંપમાં 10 HP ની 2 મોટરો, ગોકુલ નગર પાસે  સંપમાં 10 HP ની બે મોટરો ફીટ કરવામાં આવેલી છે ત્યારે આ તમામ મોટરો હાલ બંધ હાલતમાં છે જેથી માણાવદર શહેરની ભુગર્ભ ગટરના પાણી ખેંચી શકાતા નથી અને પાણી ન ખેંચાતા પાણી રસ્તામાં અને ઘરોમાં ઘૂસી જાય છે. અત્યારે માત્ર ગોકુલનગર સંપ પાસે માત્ર 5 HP ની મોટર ફીટ કરીને ગાડુ ગભરાવાય રહ્યું છે.
રઘુવીરપરાના સંપમાં આવેલી મોટર તો 24 કલાકમાં બળી ગઈ.
માણાવદર રઘુવીરપરામાં સંપમાં 60 HP ની મોટર બળી જતા રીપેરીંગ કરવામાં આવી હતી ત્યારે આ મોટર રીપેરીંગ કરીને આવતા આ સંપ ખાતે ફરી ફીટ કર્યા હતા આ 60 HP ની મોટર માત્ર 24 કલાકમાં જ ફરીથી ખરાબ થઈ ગઈ હતી.
તસ્વીર – અહેવાલ – દિપક રાજા – માણાવદર