લીલીયા પંથકમા 45થી વધુ સાવજોનુ વિશાળ ગૃપ વસવાટ કરી રહ્યું છે. જે પૈકીના 7 સાવજના એક ગૃપમાથી એક સિંહબાળમા બેબેસીયા નામનો રોગ દેખાતા વનતંત્ર દોડતુ થઇ ગયુ છે. આ સિંહબાળને પકડી હાલ ઓબ્ઝર્વેશનમા રખાયુ છે. જયારે આ ગૃપના અન્ય છ સાવજોને વેકસીન આપી ફરી મુકત કરી દેવાયા છે. આ ઘટના બાદ પિસીસીએફ પણ અહી ગુપચુપ મુલાકાત લઇ ગયા હતા. આ રોગ વધુ સાવજોમા પ્રવેશે તે પહેલા નક્કર પગલાની જરૂર છે.
ભુતકાળમા અમરેલી જિલ્લાના રેવન્યુ વિસ્તારમા જ બેબેસીયાના રોગચાળાથી સાવજોના મોતની ઘટના બની ચુકી છે. હવે ફરી એકવાર આ રોગ લીલીયા પંથકના સાવજમા દેખાયો છે. અહી વાઘણીયા નજીક સાત સાવજનુ એક ગૃપ ધામા નાખીને રહે છે. જે પૈકી એક સિંહબાળની તબીયત બરોબર ન હોય રોગિષ્ટ હોવાની આશંકાએ પકડી લેવાતા તેને ઇતરડી દ્વારા ફેલાતો બેબેસીયા લાગુ પડયો હોવાની જાણ થઇ હતી.

આ સિંહબાળને રેસ્કયુ કરી હાલમા ક્રાંકચ એનીમલ કેર સેન્ટરમા રાખવામા આવ્યુ છે. આ ઉપરાંત આ ગૃપના બે સિંહણ, ત્રણ સિંહબાળ અને એક પાઠડો નર સહિત છનુ વેકસીનેશન કરવામા આવ્યું હતુ. હાલ વનવિભાગ દ્વારા તેના પર સતત મોનીટરીંગ કરાઇ રહ્યું છે. વનવિભાગે દાવો કર્યો હતો કે હાલમા તમામ સાવજો સ્વસ્થ છે અને તેના પર દેખરેખ રખાઇ રહી છે.
બીજી તરફ સાવજોમા રોગનો મામલો ગંભીર હોય પિસીસીએફ નિત્યાનંદ શ્રીવાસ્તવ, જુનાગઢના સીસીએફ આરાધના સાહુ, ગીરપુર્વના ડીસીએફ રાજદીપસિંહ ઝાલા, શેત્રુંજયના ડીસીએફ જયન પટેલ વિગેરે સાવરકુંડલા દોડી આવ્યા હતા. જો કે વન અધિકારીઓનો જંગી કાફલાએ કરેલી મિટીંગો ખાનગી રાખવામા આવી હતી અને આ અધિકારીઓએ રેલવે ટ્રેકની પણ મુલાકાત લીધી હતી.

