Gujarat

જૂની પેન્શન યોજના સહિત અન્ય પડતર પ્રશ્નો સંદર્ભે રાજ્યભરનાં સરકારી કર્મચારીઓ ગાંધીનગર ખાતે મુખ્યમંત્રીને વ્યક્તિગત આવેદનપત્ર આપશે

(સુરત જિલ્લાનાં શિક્ષકો સહિત અન્ય વિભાગનાં કર્મચારીઓ મોટી સંખ્યામાં રાત્રિથી જ ગાંધીનગર જવા રવાના)
               રાજ્યનાં જુદાં-જુદાં સરકારી ખાતાનાં કર્મચારીઓ છેલ્લાં કેટલાય સમયથી સરકાર સામે વિવિધ આંદોલનો કરીને પોતાનાં પ્રશ્નો હલ કરવા લડત લડી રહ્યાં છે. ગુજરાત રાજ્ય કર્મચારી મહામંડળ તથા ગુજરાત રાજ્ય સંયુકત કર્મચારી મોરચાનાં આદેશ અનુસાર ગત મહિનામાં સરકારી કર્મચારીઓએ કાળી પટ્ટી પહેરીને વિરોધ પ્રદર્શિત કર્યો હતો. આ ઉપરાંત કાળા વસ્ત્રો પહેરીને ફરજ બજાવી હતી. આટલું જ નહિ, કર્મચારીઓ દ્વારા ગાંધીનગર ખાતે ધરણાં પ્રદર્શન યોજીને સરકારની નીતિ સામે અવાજ ઉઠાવવામાં આવ્યો હતો. ત્યારબાદ પેનડાઉન, ચોકડાઉન કરીને સરકાર સમક્ષ પોતાનો વિરોધ નોંધાવ્યો હતો. આમ છતાં સરકારે કર્મચારીઓનો અવાજ દાબી દેવા પ્રયાસ કર્યો છે એવો ગણગણાટ સર્વત્ર વ્યાપી રહ્યો છે ત્યારે પડતર પ્રશ્નો બાબતે કર્મચારી મહામંડળે આવતીકાલે સમગ્ર રાજ્યનાં સરકારી કર્મચારીઓને પાટનગર ગાંધીનગર ખાતે ઉમટી પડવા એલાન કર્યુ છે.
               આ બાબતે સુરત જિલ્લા પ્રાથમિક શિક્ષક સંઘનાં પ્રમુખ અને ગુજરાત રાજય સંયુકત કર્મચારી મોરચો, સુરત એકમનાં પ્રમુખ કિરીટભાઈ પટેલે ટેલિફોનિક વાતચીતમાં જણાવ્યું હતું કે ગુજરાત રાજ્ય સંયુક્ત કર્મચારી મંડળ, ગુજરાત રાજ્ય સંયુક્ત કર્મચારી મોરચો તથા ગુજરાત રાજ્ય પ્રાથમિક શિક્ષક સંઘ દ્વારા રાજ્યનાં તમામ કર્મચારીઓને જૂની પેન્શન યોજનામાં સમાવવા, ફિક્સ પગાર કર્મચારી યોજના મૂળ અસરથી નાબુદ કરવા તથા કેન્દ્રનાં ધોરણે ભથ્થા આપવા અંગે ચાલતાં આંદોલન સંદર્ભે આવતીકાલે તા. 15/3/2024 નાં રોજ વ્યકિતગત આવેદનપત્ર તૈયાર કરીને ગાંધીનગર પહોંચી બપોરે 12 કલાકે મુખ્યમંત્રીને આપવા એલાન જાહેર કરેલ છે. જેનાં પગલે રાજ્યનાં તમામ 33 જિલ્લાઓમાંથી હજારો કર્મચારીઓ ગાંધીનગર ખાતે લડાયક મિજાજ સાથે ઉમટી પડી આંદોલનને ઉગ્ર બનાવશે.
               અત્રે ઉલ્લેખનીય છે કે અગાઉ કાળીપટ્ટી ધારણ કરીને વિરોધ પ્રદર્શન, કાળા વસ્ત્રો પહેરીને વિરોધ પ્રદર્શન, ધરણાં પ્રદર્શન, શટડાઉન, પેન ડાઉન, ચોક ડાઉન જેવાં વિવિધ આંદોલનાત્મક કાર્યક્રમ પછી પણ રાજ્ય સરકારે પડતર પ્રશ્નો સંદર્ભે ઉદાસીનતા દાખવતાં સુરત જિલ્લાનાં શિક્ષક ભાઈ-બહેનો સહિત અન્ય વિભાગનાં કર્મચારીઓ પણ મોટી સંખ્યામાં ગાંધીનગર પહોંચવા તત્પર બન્યાં છે. એમ જિલ્લાનાં પ્રચાર-પ્રસાર પ્રતિનિધિ વિજય પટેલ એક અખબારી યાદીમાં જણાવે છે.