Gujarat

રિલાયન્સના આર્થિક અનુદાનથી જામનગર શહેરને મળશે ‘વસવાટ વચ્ચે વન’

જામનગર મહાનગરપાલિકાના ગાર્ડન રીઝર્વ પ્લોટ – સોનલનગરમાં
૧૫૦૦૦ વૃક્ષોની હરિયાળી લહેરાશે

હાર્ટફૂલનેસ સંસ્થા દ્વારા વૃક્ષોના ઉછેર- સંભાળની જવાબદારી સ્વીકારાઈ

રિલાયન્સ ઈંડસ્ટ્રીઝના આર્થિક અનુદાનથી જામનગર શહેરને આગામી દિવસોમાં એક કાયમી ભેટ સમું વનોદ્યાન ભેટ મળવા જઈ રહ્યું છે. ગ્રુપ પ્રેસીડેન્ટ શ્રી ધનરાજભાઈ નથવાણીની મંજૂરીથી સામાજિક ઉત્તરદાયિત્વના ભાગ રૂપે જામનગર શહેરના ગોલ્ડન સીટીની પાછળના ભાગમાં સોનલનગર વિસ્તારમાં જામનગર મહાનગરપાલિકા દ્વારા ગાર્ડન માટે રિઝર્વ રાખવામાં આવેલ ૮ (આઠ) એકર જમીનમાં ૧૫૦૦૦ વૃક્ષો રોપીને ઉછેરવાની જવાબદારી હાર્ટફૂલનેસ ઈંસ્ટીટ્યુટ નામની સંસ્થા દ્વારા સ્વીકારવામાં આવી છે.

રિલાયન્સના સ્થાપક શ્રી ધીરુભાઈ અંબાણીની જન્મજયંતિના અનુસંધાને આજે રિલાયન્સના પ્રતિનિધીશ્રી, મહાનગરપાલિકાના નાયબ કમિશનરશ્રી , આસી. કમિશનર શ્રી, હાર્ટફૂલનેસ સંસ્થાના પ્રતિનિધીશ્રી તથા સ્વયંસેવકોની ઉપસ્થિતિમાં વૃક્ષારોપણ કરી બાયોડાયવર્સીટી પ્લાન્ટના આ પ્રોજેક્ટનો પ્રારંભ કરાયો હતો.

ઉલ્લેખનીય છે કે, હૈદરાબાદ ખાતે મુખ્યમથક ધરાવતી હાર્ટફૂલનેસ ઈંસ્ટીટ્યુટના મુખ્ય વ્યવસ્થાપક પદ્મશ્રી કમલેશ પટેલ (દાજી) છે જેઓ દેશભરમાં ધ્યાન અને યોગના પ્રસાર ઉપરાંત ફળદ્રુપ ખેતી અને ફોરેસ્ટસ બાય હાર્ટફૂલનેસ પ્રોજેક્ટ દ્વારા વનીકરણ માટે કાર્યરત છે.

જામનગર ખાતે વસવાટ વચ્ચે સ્થપાનાર આ વનમાં વાંસ , ખુબ મોટાં ઘટાદાર વૃક્ષો અને નાનાં વૃક્ષો એવી વ્યુહાત્મક રીતે રોપવામાં આવશે કે જેથી પક્ષીઓ સહિતના જીવ વૈવિધ્યને વસવાટ અને વિકાસ માટે પૂરતી તક મળી રહે. આ ઉપરાંત જામનગર મહાનગરપાલિકા દ્વારા આશરે 1.25 કીમીનો વોકીંગ ટ્રેક બનાવાશે. જેના પર ચાલનારને વનપરિભ્રમણ જેવી અનુભુતિ થશે.

જામનગર મહાનગરપાલિકાએ આ કાર્યમાં ઉપયોગ માટે .આઠ એકર જમીનની મંજૂરી આપી છે અને હાર્ટફૂલનેસ ઈંસ્ટીટ્યુટ તેની આનુષાંગિક તમામ જવાબદારી વહન કરશે. રિલાયન્સ દ્વારા આ કાયમ માટે ઉપયોગી થનાર પ્રોજેક્ટ માટે મોટી રકમનું અનુદાન આપવામાં આવ્યું છે.