Gujarat

જામનગર મહાનગરપાલિકા દ્વારા ખાણીપીણીના સ્ટોલ પર ચેકીંગ હાથ ધરાયું, વિવિધ સ્થેળેથી અખાદ્ય જથ્થાનો નાશ કરાયો

જામનગર મહાનગરપાલિકાની ફૂડ સેફ્ટી શાખા દ્વારા શહેરમાં આવેલા ધરારનગર-2 માં ખાણીપીણીના સ્ટોલ્સ પર ચેકીંગ હાથ ધરવામાં આવ્યું હતું. આ વિસ્તારમાંથી તાજેતરમાં કોલેરા પોઝિટીવ કેસ નોંધાયા હોવાનું સામે આવ્યું હતું. તેથી એફ.એસ.ઓ.ની ટીમ દ્વારા ધરારનગર-2 વિસ્તારમાં ખાણીપીણીની વિવિધ આઈટમ્સ જેવી કે ગોલા, ગુલ્ફી, શરબત, ઘૂઘરા, ઘૂઘરાની ચટણી, શેરડીનો રસ બનાવતા ફૂડ બિઝનેશ ઓપરેટરને ત્યાં રૂબરૂ જઈને એફ.એસ.ઓ.ની ટીમ દ્વારા ઈન્સપેક્શન હાથ ધરવામાં આવ્યું હતું.

તપાસ દરમિયાન સ્થળ પર ક્લોરીન ટેબલેટનું વિતરણ કરવામાં આવ્યું હતું. તેમજ પાણીમાં કલોરીનેશન જાળવવા, ખાદ્ય પદાર્થ ઢાંકીને રાખવા, સ્ટોલની આસપાસ સાફ-સફાઈ કરાવવી અને સ્વછતા જાળવવી, હાઈજેનિક કંડીશન મેઈન્ટેન કરવી, ફરજીયાત અને નિયમિત રીતે પાણીમાં કલોરીનેશન કરાવવા અને વેપારીઓને સૂચના આપવામાં આવી હતી. કુલ 250 ક્લોરીન ટેબ્લેટનું સ્થળ પર જ વિતરણ કરી સ્થળ પર વોટર ક્લોરીનેશન કરવાની કામગીરી હાથ ધરવામાં આવી હતી.

જેમાં શિવાલય ફરસાણ, દાતારી સમોસા, કે.જી.એન.ટી સેન્ટર, તાજ હોટલ, નિગાહે કરમ આમલેટ, શાહીદી હોટલ, અરહાન રેસ્ટોરન્ટ, ઈન્ડિયા પાણીપૂરી વગેરે સ્થળોએ વેપારીઓને પાણીમાં કલોરીનેશન જાળવવા, ખાદ્ય પદાર્થ ઢાંકીને રાખવા માટે, સાફ-સફાઈ કરાવવી અને સ્વછતા જાળવવી, હાઈજેનિક કંડીશન મેઈન્ટેન કરવા અંગે સૂચના અપાઈ હતી.

આ ઉપરાંત શહેરમાં અલગ-અલગ વિસ્તારમાં આવેલા ફાસ્ટફૂડ સેન્ટર, હોટલ, રેસ્ટોરન્ટ વગેરે સ્થળોએ રૂબરૂ ઈન્સપેક્શન દરમિયાન સાફ-સફાઈ કરાવવી અને સ્વછતા જાળવવી, ખાદ્ય પદાર્થ ઢાંકીને રાખવા, હાઈજેનિક કંડીશન મેઈન્ટેન કરવી, સમયસર પેસ્ટ કંટ્રોલ કરાવી લેવા, પેઢીમાં કામ કરતા કર્મચારીના ફીટનેશ સર્ટીફિકેટ કરાવવા, ફૂડ પેકીંગ માટે પ્રિન્ટેડ પસ્તી ન વાપરવા અંગે સુચના આપવામાં આવી હતી.