Gujarat

જામનગરની જીવાદોરી સમાન સસોઈ ડેમ ઓવરફલો

જામનગર જિલ્લામાં છેેલ્લા બે દિવસથી વરસી રહેલાં ભારે વરસાદને લીધે જામનગર શહેરને પીવાનું પાણી પુરૂં પાડતા રણજીતસાગર ડેમ બાદ સસોઇ ડેમ પણ ઓરવફ્લો થતાં જ શહેરીજનો ડેમસાઇટ પર પાણી જોવા ઉમટી પડ્યાં હતાં.

સાથે સાથે ડેમ ઓવરફ્લો થવાથી કોઇ જાનહાની ન સર્જાય તે માટે પોલીસનો બંદોબસ્ત પણ ગોઠવી દેવાયો હતો. જો કે આ સમયે વાહનોના થપ્પાઓથી ટ્રાફીકજામની સમસ્યા સર્જાઇ હતી.

રણજીતસાગર ડેમ ઓવરફ્લો થયાના સમાચાર મળતાં જ મહાનગરપાલિકાના કમિશનગર ડી.એન. મોદી તેમજ જિલ્લા પોલીસવડા પ્રેમસુખ ડેલું તેમના પરિવાર સાથે પહોંચ્યા હતાં. તેમજ સસોઇ ડેમ ઓવરફલો થતાં લોકો મોટી સંખ્યામાં હાજર હોય ત્યારે કોઇ જાનહાની ન સર્જાય તે માટે તુરંત જ પોલીસ બંદોબસ્ત ડેમસાઇટ ઉપર ગોઠવી દેવાયો હતો. તેમજ ડેમના નિચાણવાળા વિસ્તારમાં લોકોને પણ સાવચેત કરાયા હતાં.

મહાનગરપાલિકાના કમિશનર ડી.એન.મોદીએ જણાવ્યું હતું કે, રણજીતસાગર ડેમ ઓવરફ્લો થવાથી શહેરને એક વર્ષ ચાલે તેટલા પીવાના પાણીનો જથ્થો આવી પહોંચ્યો છે. જેનાથી પીવાના પાણીનો પ્રશ્ન પણ હલ થયો છે.

તેઓએ શહેરીજનોને અપીલ કરી હતી કે ડેમ ઓવરફ્લો થયો હોય તે જોવા આવવાની સાથે સલામતી બાબત પણ ખાસ સાવચેત રહેવા અનુરોધ કર્યો હતો.