માંગરોળ તાલુકાના લોએજ ગામે દરગાહ પાસે ગેરકાયદેસર રીતે સંખ્યાબંધ ગાંડા બાવળના ઝાડ કાપી નાંખવા બાબતે વનવિભાગે જેસીબી કબજે કરી, ત્રણ શખસો વિરુદ્ધ ગુનો દાખલ કર્યો છે. લોએજ ગામે ગુરૂવારે બપોરના સુમારે મીરણશાપીરની દરગાહ સામે પરવાનગી વિના મોટી સંખ્યામાં ગાંડા બાવળના વૃક્ષોનો સોથ વાળી દેવામાં આવ્યો હોવાની કોઈએ વનવિભાગને જાણ કરી હતી.
દરમ્યાન આરએફઓ આર.બી.વાળા તથા ફોરેસ્ટ સ્ટાફ ઘટના સ્થળે દોડી ગયા હતા. જ્યાં ફોરેસ્ટ અને રેવન્યુ વિભાગની બોર્ડરવાળી જમીન પરથી એક જેસીબી (GJ 11 BJ 6082) જપ્ત કર્યુ હતું.
વન વિભાગે મુંજાવર નિઝામુદ્દીન ગુલાબહુસેન શેખ, જેસીબીના ડ્રાઇવર નિલેશભાઈ રામભાઈ સુવા તથા માલિક જયેશભાઈ દેવશીભાઈ ડાકી વિરુદ્ધ ભારત વન અધિ.1927ની વિવિધ કલમો હેઠળ ગુનો નોંધી કાર્યવાહી હાથ ધરી છે.

