રાજકોટ લોકસભાની ચૂંટણીના ભાજપના ઉમેદવાર પરસોતમભાઈ રૂપાલા દ્વારા તાજેતરમાં એક જાહેર કાર્યક્રમમાં રાજા-રજવાડાઓ વિશે કરવામાં આવેલા કથનનો સમગ્ર રાજ્ય સાથે ખંભાળિયામાં પણ ઉગ્ર વિરોધ જોવા મળી રહ્યો છે. જેના અનુસંધાને ખંભાળિયાના ક્ષત્રિય સમાજ દ્વારા પણ તેમની ટીકાઓ કરી અને અહીંના જિલ્લા કલેક્ટર તથા પોલીસવડાને પણ આ મુદ્દે લેખિત આવેદનપત્ર પાઠવવામાં આવ્યું છે.

આ પત્રમાં જણાવાયા મુજબ રૂપાલા દ્વારા ક્ષત્રિય ગિરાસદાર સમાજ વિશે અપમાનજનક ટીપ્પણી કરી અને સમાજના રજવાડાઓ અને બહેન-દીકરીઓ અંગે અશોભનીય કથન કરવામાં આવ્યું છે.
તેમના દ્વારા રાજ્યમાં શાંતિ ડહોળવાનો પ્રયાસ કરવામાં આવ્યો હોવાનું જણાવી અને ગુજરાત રાજ્યના ક્ષત્રિય સમાજ દ્વારા 80 ટકા મતદારો ભાજપ તરફી જ મતદાન કરતા હોય છે. ત્યારે લોકસભાની ચૂંટણીમાં રાજપૂત સમાજના કોઈપણ ઉમેદવારને ભાજપ દ્વારા ટિકિટ ફાળવવામાં આવી ન હોવા છતાં પણ આ સમાજ ભાજપ અને સાથે પક્ષોને વફાદાર છે તેમ છતાં પણ રૂપાલા દ્વારા આ પ્રકારના વક્તવ્યથી ક્ષત્રિય સમાજમાં તેમના પ્રત્યે રોશની લાગણી ફેલાઈ છે.

ક્ષત્રિય સમાજના પ્રમુખ ચંદ્રસિંહ જાડેજા તેમજ જ્ઞાતિના આગેવાનો, હોદ્દેદારો તથા કાર્યકરોની એક મીટીંગ પણ તાજેતરમાં અહીંની રાજપૂત સમાજની વાડી ખાતે યોજાઈ હતી. આ મુદ્દે આગામી લોકસભાની ચૂંટણીમાં તેમની ઉમેદવારી રદ કરવામાં આવે તેવી માગ સાથે જો સમાજને ન્યાય આપવામાં નહીં આવે તો સમગ્ર દેશમાં દરેક લોકસભાની સીટ પર જ્યાં જ્યાં ક્ષત્રિય સમાજનું મતદાન થશે તે ભાજપ વિરુદ્ધમાં થશે તે બાબત રજૂ કરી, ખંભાળિયા રાજપુત સેવા સમાજ દ્વારા રોષભેર લેખિત રજૂઆત જિલ્લા કલેક્ટર તેમજ જિલ્લા પોલીસવડાને કરવામાં આવી છે.
