શક્તિ, ભક્તિ અને આસ્થાનું ત્રિવેણી સંગમ એટલે જગવિખ્યાત યાત્રાધામ અંબાજી ગુજરાત અને રાજસ્થાનની સરહદ ઉપર આવેલું છે.
અંબાજી દેશનાં 51 શક્તિપીઠમાં આધ્યશક્તિ પીઠ તરીકે ઓળખાય છે. અંબાજી ખાતે મા અંબાના મંદિર સિવાય વિવિઘ ભગવાનના મંદિર આવેલા છે. અંબાજી ખાતે મોટી સંખ્યામાં શિવ મંદીર આવેલા છે.
અંબાજી નજીક આવેલા કુંભારીયા ગામે સોમેશ્વર મહાદેવની સામે રામેશ્વર મહાદેવ ખેતરમાં આવેલું છે. આજે આ શિવ મંદીરનો પ્રથમ પાટોત્સવ હોવાથી અહીં વહેલી સવારથી જ લઘુરૂદ્ર શરૂ કરાયો હતો અને તમામ ભક્તો માટે ભોજન પ્રસાદની વ્યવસ્થા કરવામાં આવી હતી.

રામેશ્વર મહાદેવ ખાતે આજે બુધવારના દિવસે સમગ્ર મંદિર પરિસરને રંગબેરંગી ફૂલોથી અને બલૂનથી શણગારવામાં આવ્યું હતું. મંદિર ખાતે 56 ભોગનો અલગ અલગ મીઠાઈનો અન્નકૂટ પણ ધરાવવામાં આવ્યો હતો.
અંબાજી મંદિરના વિદ્વાન બ્રાહ્મણોની હાજરીમાં પૂજા અર્ચના શાસ્ત્રોક્ત વિધિ વિધાનથી શરૂ કરાઈ હતી. દીપકભાઈ જોશી અને તેમનો પરિવાર પૂજામાં જોડાયો હતો.
ભગવાન મહાદેવને ભોગ પણ ધરાવવામાં આવ્યો હતો. બપોરે મહાદેવને શિવ આરતી પણ કરવામાં આવી હતી અને અન્નકૂટ આરતી પણ કરવામાં આવી હતી.


