માંડલ અને અમરેલીની હોસ્પિટલમાં મોતિયાની સર્જરી બાદ થયેલા અંધાપાકાંડ બાદ ગુજરાત મેડિકલ કાઉન્સિલે કડક કાર્યવાહી હાથ ધરી છે. કાઉન્સિલે અમરેલી મેડિકલ કોલેજના સુપરિન્ટેન્ડેન્ટ, આંખના 3 સર્જનના લાઇસન્સ સસ્પેન્ડ કર્યા છે.ગુજરાત મેડિકલ કાઉન્સિલના અધ્યક્ષ ડો. નીતિન વોરાએ જણાવ્યું હતું કે, અંધાપાકાંડની ઘટનામાં હોસ્પિટલ મેનેજમેન્ટ અને ટ્રસ્ટ અોથોરિટીની જવાબદારી થાય છે, જ્યારે હોસ્પિટલના સુુપરિટેન્ડેન્ટની રણ જવાબદારી હોવાથી તેમને 6 મહિના માટે કામગીરીથી દુર રાખવામાં આવ્યાં છે.
માંડલ અને અમરેલીની હોસ્પિટલમાં મોતિયાની સર્જરી બાદ થયેલા અંધાપાકાંડમાં 21 દર્દીની આંખની દ્રષ્ટિને અસર થઈ હતી. હાઇકોર્ટમાં થયેલી સુઅમોટો પિટિશન સંદર્ભે ગુજરાત મેડિકલ કાઉન્સિલની સભામાં આ મુજબનો નિર્ણય લેવાયા હતા.
3 ઓપ્થેલ્મિક સર્જનનાં લાઇસન્સ સસ્પેન્ડ
માંડલ હોસ્પિટલના ડો.જયમીન પંડ્યાનું ઓપ્થેલ્મિક સર્જનનું લાઇસન્સ 1 વર્ષ, અમરેલી હોસ્પિટલના અોપ્થેલ્મિક સર્જન ડો.પૂજા પરીખનું લાઇસન્સ 6 મહિના અને અોપ્થેલ્મિક સર્જન ડો.અંકિતા મોઢવાણીનું લાઇસન્સ 6 મહિના માટે સસ્પેન્ડ કરાયું છે.
સુપરિન્ટેન્ડન્ટને 6 મહિના માટે હોદ્દા પરથી દૂર કરાયા
અમરેલી મેડિકલ કોલજ-હોસ્પિટલના સુપરિન્ટેન્ડેન્ટ ડો.આર.એમ.જીતિયાને તાત્કાલિક અસરથી 6 મહિના માટે તેમના હોદ્દા પરથી દૂર કરવાનો નિર્ણય લેવાયો છે.
નર્સિંગ સ્ટાફ સામે પગલાં લેવા કાઉન્સિલને જાણ
અમરેલી મેડિકલ કોલેજના અજાઝ મોગલ, ભરત કાલુભાઇ ચાવડા, ઋત્વિક ઠુમ્મર અને કેવલ ભાવલિયા વિરુદ્ધ જરૂરી પગલાં લેવાં ગુજરાત નર્સિંગ કાઉન્સિલને જાણ કરી છે.
ચેરિટી કમિશનરે ટ્રસ્ટ-ટ્રસ્ટી સામે પગલાં લીધાં
માંડલના શ્રી સેવાનિકેતન ટ્રસ્ટ સંચાલિત હોસ્પિટલમાં ફુલટાઇમ ડોકટર, ફુલટાઇમ સુપરિન્ટેન્ડેન્ટ, ક્વોલિફાઇડ નર્સ અને ટ્રેઇન્ડ સ્ટાફ ન હોવાથી સાથે ઇન્ફેક્શન કંટ્રોલના સાધનોની ઉણપ તેમજ સરકારી ગાઇડ લાઇન મુજબ, જરૂરી ઇન્ફ્રાસ્ટ્રક્ચર અને ઇક્વિટમેન્ટનો અભાવ બાબતે ટ્રસ્ટ-ટ્રસ્ટી સામે તેમજ અમરેલી મેડિકલ કોલેજ-હોસ્પિટલ માટે તેમના ટ્રસ્ટ શ્રીમતિ શાંતાબેન હરિભાઇ ગજેરા ચેરિટેબલ ટ્રસ્ટ, સુરત સામે કડક પગલાં લેવા ચેરિટી કમિશનરે ગુજરાત સરકારને જણાવ્યું છે.