રાજસ્થાનથી ટ્રેક્ટરની ટ્રોલીના નીચે દારૂનો સંતાડીને લાવતા બે શખ્સોને ક્રાઈમ બ્રાંચે નાના ચીલોડા પાસેથી ઝડપી પાડ્યા હતા. ગુપ્તખાનામાંથી દારૂની 170 બોટલો તથા બિયરની 431 બોટલો મળી આવી હતી. જેથી ક્રાઈમ બ્રાંચે કુલ રૂ.4 લાખનો મુદ્દામાલ કરી હતી.
હિંમતનગરથી ચિલોડા તરફ આવી રહેલા એક નંબર વગરના ટ્રેક્ટરની ટ્રોલીના નીચેના ભાગે દારૂનો જથ્થો સંતાડ્યો છે. આ ટ્રેક્ટર નાના ચિલોડા પાસેથી પસાર થવાનું હોવાની બાતમીને આધારે શંકાસ્પદ ટ્રેક્ટરને રોકીને તપાસ કરતા દારૂનો જથ્તો મળી આવ્યો હતો.
પુછપરછ દરમિયાન જ્યંતિભાઈ ભગોરા અને જગદીશ મેણાત (રહે. રાજસ્થાન) હોવાનું જણાવ્યું હતુ. ટ્રોલીને હાઈડ્રોલિકથી ઉંચી કરતા નીચેની સાઈડમાં સંતાડેલી અલગ અલગ બ્રાંડની વિદેશી દારૂની 170 બોટલો તથા 431 બિયરની બોટલો હતી. જેથી દારૂના જથ્થા સહિત કુલ રૂ.4 લાખનો મુદ્દામાલ જપ્ત કરવામાં આવ્યો હતો. આ સાથે બંને આરોપીઓની ધરપકડ કરવામાં આવી હતી.
આરોપીઓની વધુ પૂછપરછ કરતા દારૂનો જથ્થો ડુંગરપુરના બિંછીવાડાથી કાંતિભાઈ ભગોરા પાસેથી લાવ્યા હોવાની કબુલાત કરી અને આ જથ્થો અમદાવદામાં ઉતારવાનો હતો, કોને આપવાનો હતો તેની જાણ ન હતી. જેથી ક્રાઈમ બ્રાંચે કાંતિ ભગોરા સામે ગુનો નોંધી તેની શોધખોળ શરૂ કરી છે.