વડોદરા નજીક એક્સપ્રેસ હાઈવે ઉપર આજોડ ગામની સીમમાંથી જિલ્લા લોકલ ક્રાઈમ બ્રાન્ચે મોડીરાત્રે સિમેન્ટ મિક્સરના કન્ટેનરમાં લઈ જવાતો રૂપિયા 44,83,200ની કિંમતનો દારૂનો જંગી જથ્થો ઝડપી પાડ્યો હતો. આ બનાવમાં પોલીસે કન્ટેનર ચાલકની ધરપકડ કરીને કાર્યવાહી હાથ ધરી છે.
પોલીસે વોચ ગોઠવી દીધી
જિલ્લા લોકલ ક્રાઈમ બ્રાન્ચના પી.આઈ. કૃણાલ પટેલે માહિતી આપતા જણાવ્યું હતું કે, મોડીરાત્રે એલસીબીની ટીમ મંજુસર પોલીસની હદમાં પેટ્રોલિંગમાં હતી. દરમિયાન તેઓને માહિતી મળી હતી કે, સિમેન્ટ મિક્સ કરવામાં આવતા કન્ટેનરમાં દારૂનો જંગી જથ્થો એક્સપ્રેસ હાઈવે ઉપરથી પસાર થનાર છે. આ માહિતીના આધારે એલસીબીની ટીમ આજોડ ગામની સીમમાં વોચમાં ગોઠવાઈ ગઈ હતી.

દારૂની હેરાફેરી માટે કન્ટેનર બનાવ્યું
દરમિયાન માહિતી વાળુ કન્ટેનર પસાર થતાં તેને વોચમાં ગોઠવેલી પોલીસે રોકી હતી. પોલીસે ચાલક ચાદમલ મીણાની અટકાયત કરીને પૂછપરછ કરતા તે યોગ્ય જવાબ આપી ન શકતા પોલીસને શંકા ગઇ હતી. પોલીસે કન્ટેનરના પાછળના ભાગની સીડી ઉંચી કરીને તપાસ કરતા તેમાંથી ભારતીય બનાવટનો દારૂ ભરેલ 934 પેટી મળી આવી હતી.
પોલીસે દારૂ ભરેલ કન્ટેનર મંજુસર પોલીસ મથકમાં લઈ ગઈ વધુ તપાસ હાથ ધરી હતી. તેમણે જણાવ્યું કે, જે કન્ટેનર બનાવ્યું હતું તે માત્ર દારૂની હેરાફેરી માટે જ બનાવ્યું હોય તેમ લાગતું હતું. કન્ટેનર ઉપર વંડર સિમેન્ટ લખી પોલીસને ગેરમાર્ગે દોરવાનો પ્રયાસ કરવામાં આવ્યો હતો, પરંતુ બુટલેગરોનો કિમીયો પોલીસે નિષ્ફળ બનાવ્યો હતો.

એક આરોપી વોન્ટેડ જાહેર
LCB પી.આઇ. કુણાલ પટેલે વધુમાં જણાવ્યું હતું કે, આ દારૂનો જથ્થો રાજસ્થાન તરફથી આવી રહ્યો હતો અને અમદાવાદ તરફ જઈ રહ્યો હોવાનું પ્રાથમિક તપાસમાં જાણવા મળ્યું છે. જોકે આ બનાવમાં ફરાર રાજુ નામના વ્યક્તિની ધરપકડ થયા બાદ ચોંકાવનારી વિગતો બહાર આવે તેવી શક્યતાઓને નકારી શકાય તેમ નથી. હાલ પોલીસે રૂપિયા 44 લાખ ઉપરાંતની કિંમતનો દારૂનો જથ્થો અને કન્ટેનર મળી રૂપિયા 59,88,200ની કિંમતનો મુદ્દામાલ કબજે કરીને કાર્યવાહી હાથ ધરી છે.
