રસાયણયુક્ત ખોરાકના કારણે લોકોને થતા નુકસાનની ચિંતાએ મને આ વ્યવસાયમાં આગળ વધવા પ્રેરકબળ પૂરું પાડ્યું છે – મગનભાઈ આહીર
કૃષિ અને પશુપાલનના વ્યવસાયને એક નવી જ ઉંચાઈ પર લઈ જનાર મૂળ ભાવનગર જિલ્લાના મૌવા તાલુકાના નાના અસારણા ગામના વતની અનેવર્ષ ૨૦૦૬થી છોટાઉદેપુર જિલ્લાના સંખેડા તાલુકાના ખંડુપુરા ગામે રહેતા મગનભાઈ આહીર ૨૦૦ ગાયોની સેવા કરીને અન્યમાટે રોલ મોડલ બન્યા છે. મગનભાઈ ઘણા વર્ષોથી ગાયના છાણ, ગૌ મૂત્ર તથા ઔષધીઓના ઉપયોગ થકી પ્રાકૃતિક ખેતી કરીને પ્રકૃતિના સંવર્ધનમાં પોતાનું યોગદાન આપવાની સાથે સાથે ઓર્ગેનિક ડેરી પ્રોડક્ટ્સ અને અનાજ કઠોળનું ઉત્પાદન કરીને લોકોને આરોગ્યપ્રદ ખાદ્યપદાર્થો પુરા પાડી રહ્યા છે.

તેમની મુલાકાત દરમિયાન જણાવ્યું હતું કે,મારી પાસે ખંડુપુરા ખાતે ૩૫૦ એકર જમીન છે. જેમાંથી ૧૦૦ એકર જમીન ફક્ત ગાયોના ચરવા માટે જ ઉપયોગ કરું છે,જયારે અન્ય જમીનમાં ઘાસચારો, અનાજ, કઠોળ, શાકભાજી વગેરનું ઉત્પાદન કરું છું. વર્ષોથી ફક્ત પ્રાકૃતિક ખેતી જ કરી રહ્યો છું. મારા ખેતરમાં કોઈ પણ પ્રકારના રાસાયણિક ખાતર કે દવાનો ઉપયોગ કરતો નથી. પાકમાં આવતી ઈયળોના નિયંત્રણ માટે છાસ,મરચા,લસણ અને તમાકુમાંથી દવા તથા જીવાતોના નિયંત્રણ માટે વિવિધ ઔષધિઓમાંથી સપ્તપર્ણી અર્ક બનાવી તેનો ઉપયોગ કરું છું.મારા ખેતરમાં હાલ ૧૧૧ થી વધુ ઔષધી ઉગાડવામાં આવી રહી છે, જે ખાવાથી અમારી ગાયો હંમેશા તંદુરસ્ત રહે છે.

પ્રાકૃતિક કૃષિના ફાયદા વર્ણવતા મગનભાઈએ ઉમેર્યું હતું કે,વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીએખેડૂતોની આવક બમણી કરવા નિશ્ચય કરીને ગાય આધારિત પ્રાકૃતિક ખેતી અપનાવવા હાકલ કરીછે, ત્યારે તમામ ખેડૂત મિત્રોએ આ ઝીરો બજેટ ખેતી અપનાવીને ઓછા ખર્ચે વધુ ઉત્પાદન મેળવવું જોઈએ. ગાય આધારિત પ્રાકૃતિક ખેતી બિન ખર્ચાળ છે,વળી તેમાંથી ઉત્પન્ન થતા પાકનો સારો ભાવ મળતો હોવાથી ઓછા ખર્ચે વધુ આવક થાય છે.

મગનભાઈએ વધુમાં જણાવ્યું હતું કે, હું ખેતીની સાથે સાથે પશુપાલનનો વ્યવસાય પણ કરું છું. મારી પાસે અહી ૨૦૦ ગાયો અને ૫૦ જેટલી ભેંસો છે. દરરોજનું ૧૫૦૦-૨૦૦૦ લીટર દૂધનું ઉત્પાદન થાય છે. જેમાંથી દૂધ, દહીં, છાસ, માખણ, ઘી, ચીઝ, પનીર સહિતની ડેરી પ્રોડક્ટ મારા પોતાના પ્લાન્ટમાં બને છે. છાસ પણ દેશી પદ્ધતિથી વલોણાની મદદથી બનાવવામાં આવે છે તથા તેમાંથી ઉત્પાદિત થતા માખણને ચુલા પર ઉકાળીને ઘી બનાવવામાં આવે છે. આ તમામ પ્રોડક્ટતેમજ મારા ખેતરમાં ઉત્પન્ન થતા કઠોળ, અનાજ, લોટ સહિતની ઓર્ગેનિક વસ્તુઓનું સુરત, વડોદરા, અમદાવાદ જેવા શહેરો ઉપરાંત ૧૪ દેશોમાં વેચાણ કરું છું. આ ઉપરાંત અમારી વેબસાઈટ www.girorganic.com અને એમેઝોન પર પણ ઓનલાઈન વેચાણ કરું છું.
મગનભાઈએ તેમનો ઉદ્દેશ જણાવતા કહ્યું હતુંકે, આપણા દેશની કરુણતા અને કમનસીબી છે કે, આજનું યુવાધન ખેતી અને પશુપાલનથી દૂર ભાગી રહ્યું છે. અમારી કંપનીનો ઉદ્દેશ ખેતી અને પશુપાલનના સમન્વયથી ઉદાહરણ પૂરું પાડવાનો છે, જેના થકી નવી પેઢીને વિશ્વાસ અપાવી શકાય કે આ ક્ષેત્રમાં પણ કારકીર્દીની વિશાળ તકો રહેલી છે. જીવનના અંતે દેશને કઈંક આપતા જવાની ભાવનાના લીધે મેં પ્રાકૃતિક ખેતી અને પ્રાકૃતિક ડેરી પ્રોડક્ટ્સનો વ્યાવસાય શરુ કર્યો છે. કારણ કે, હાલના સમયમાં રસાયણયુક્ત અનાજ-કઠોળ અને દૂધના કારણે લોકો અનેક રોગોના ભોગ બની રહ્યા છે, જેની ચિંતાના પરિણામે અમને આ વ્યવસાયમાં આગળ વધવા પ્રેરક બળ મળ્યું છે.
ખેતી અને પશુપાલન બંને એકબીજાના પુરક છે તેમ જણાવતા મગનભાઈએ ઉમેર્યું હતું કે, ફક્ત પશુપાલન કે ફક્ત ખેતી સફળ થવી મુશ્કેલ છે. હાલમાં ખેતી ખુબ જ ખર્ચાળ બની ચુકી છે. ખાતર, દવા, બિયારણ તથા મજુરીમાં તમામ આવક જતી રહે છે, જેના પરિણામે નવી પેઢી ખેતીથી દૂર ભાગી રહી છે. જેથી અમે ઓછી ખર્ચાળ અને સ્વયં સંચાલિત ખેતી કરવાનું નક્કી કરીને ખાતર તથા દવા ઘરે જ બનાવાવની શરૂઆત કરી તેમજ બિયારણ પણ પોતાનું જ પકવવા લાગ્યા. ખાતર તથા દવા બનાવવા માટે ગાયોની જરૂરીયાત ઉભી થતા અમે પશુપાલનની પણ શરૂઆત કરી અને આજે ખુબ મોટા સ્કેલ પર અમે “ગીર ઓર્ગેનિક” બ્રાન્ડથી વ્યવસાય કરી રહ્યા છીએ તથા ૬૫ લોકોને રોજગારી પૂરી પાડી રહ્યા છીએ.
નોંધનીય છે કે, પશુપાલન ક્ષેત્રે મગનભાઈના આગવા યોગદાનની કેન્દ્ર સરકાર દ્વારા લેવામાં નોધ આવી છે, જે અંતર્ગત તેમને વર્ષ ૨૦૨૩નો “રાષ્ટ્રીય ગોપાલ રત્ન એવોર્ડ” એનાયત કરવામાં આવ્યો છે.

