Gujarat

જામનગરમાં મહા યોગ શિબિરનું આયોજન, બાળકોએ ભગવાન શિવના ભજન પર વિવિધ યોગાસનની કૃતિઓ રજૂ કરી

ગુજરાત રાજ્ય યોગ બોર્ડ- ગાંધીનગર અશ્વિની કુમાર, ચેરમેન અને યોગ સેવક શીશપાલજી તેમજ ઓ.એસ.ડી. વેદીના માર્ગદર્શન હેઠળ ક્રિકેટ બંગલો અજીતસિંહજી ક્રિકેટ પેવેલિયન જામનગર ખાતે મહા યોગ શિબિરનું આયોજન કરવામાં આવ્યું હતું.

આ પ્રકારે યોગ શિબિરના આયોજન થકી નાગરિકોના માનસિક અને શારીરિક સ્વાસ્થ્યની જાળવણી થાય અને આ સાથે સાથે આગામી પેઢીમાં યોગ પ્રત્યે જાગૃતિ વધે અને લોકોમાં યોગનું પ્રમાણ વધે તે ઉદ્દેશ રહેલો છે. કાર્યક્રમની શરૂઆતમાં મંચસ્થ મહમોનોના હસ્તે દીપ પ્રાગટ્ય કરાયા બાદ મહેમાનોનું પુષ્પગુચ્છ અને ખેસ અર્પણ કરીને તેમનું સ્વાગત કરાયું હતું. લાઈફ એજ્યુકેશન ચેરીટેબલ ટ્રસ્ટ અને શાળા નંબર 21 ના બાળકોએ ભગવાન શિવના ભજન પર વિવિધ યોગાસનની સુંદર કૃતિઓ રજૂ કરી હતી.

સમગ્ર કાર્યક્રમનું સફળ આયોજન અને સંચાલન જામનગરના યોગ કો-ઓર્ડીનેટર પ્રીતિબેન શુક્લ અને પ્રીતિબેન જગડ દ્વારા કરવામાં આવ્યું હતું. કાર્યક્રમમાં મુખ્ય અતિથિ તરીકે ધારાસભ્ય મેઘજી ચાવડા, અગ્રણી રમેશ મુંગરા, પ્રવિણસિંહ જાડેજા, હોમગાર્ડઝ દળના નિયુક્ત કમાન્ડન્ટ ગીરીશ સરવૈયા, યોગગુરૂ ઉમેદસિંહ સોઢા, યોગ કોચ અને પ્રશિક્ષકગણ, બહોળી સંખ્યામાં બાળકો તેમજ 900થી વધુ યોગપ્રેમી નાગરિકો હાજર રહ્યા હતા.