Gujarat

માનવીએ પોતાનો સ્વભાવ બદલવો જરૂરી છે.

” પારસમણિ કે સ્પર્શસે કંચન ભયે તલવાર,
“તુલસી ” તીનો ના ગયે, માર, ધાર,આકાર”.
ઉપરોક્ત સાખી દ્વારા સંત શિરોમણી શ્રી તુલસીદાસજીએ માનવજાત ઉપર બહું મોટો ચાબખો માર્યો છે. તુલસીદાસજીએ જે કાંઈ પણ લખ્યું છે તે માનવજાતને નજર સમક્ષ રાખીને જ લખ્યું છે અને આપણે એમાંથી કાંઈક શીખવાની પ્રેરણા જરૂરથી લેવી જોઈએ. ઉપરોક્ત સાખીમાં તુલસીદાસજીના કહેવાનો મતલબ એવો છે કે પારસ નામનો મણિ બહું અલભ્ય અને અતિ દુર્લભ છે અને બહુ સરળતાથી અને સહેલાઈથી પ્રાપ્ત થઈ શકતો નથી.  અને ભૂલેચૂકે કોઈ ભાગ્યશાળી વ્યક્તિને પારસમણિ મળે તો તે માલામાલ થઈ જાય છે. પારસમણિ એ એક એવો મણિ છે કે જેનો સ્પર્શ માત્ર થવાથી લોખંડ સોનામાં પરિવર્તિત થઈ જાય છે. 
 
તુલસીદાસજીના કહેવાનો મર્મ એ છે કે, પારસમણિના સ્પર્શ માત્રથી લોઢાની તલવાર સોનાની ચોક્કસ બની જાય છે, પરંતુ એની ધાર, અણી કે તીક્ષ્ણતા એમનાં એમજ રહે છે, એની મારવાની શક્તિ તથા આકારમાં કોઈજ ફેરફાર કે પરિવર્તન થાતું નથી.હવે એ તલવાર શોભાના ગાંઠિયા સમાન સાબિત થાય છે કારણકે વખત આવે યુદ્ધનાં મેદાનમાં પણ કામ લાગતી નથી. એવી રીતે અમુક દંભી માણશો સજ્જન અને ધાર્મિક હોવાનો ખોટો ડોળ કરે છે, દિવસમાં બે વખત સ્નાન કરે છે, મંદિરમાં જઈ પૂજા પાઠ કરી પ્રસાદ ધરાવે છે, ગળામાં જાતજાતની માળાઓ ધારણ કરે છે, કથા, કીર્તનમાં નિયમિત જાય છે કે જેથી લોકોમાં એમની સારી છાપ પડે.તુલસીદાસજી કહે છે કે, આ નર્યો દંભ અને પાખંડ છે અને આવા વ્યક્તિઓ બગભગતની વ્યાખ્યામાં આવે છે. જેમ બગલો એક પગે ઊભો રહી તપ કરતો હોય એવો ડોળ કરે છે, પરંતુ જેવી માછલી પગ પાસે આવે કે તરતજ માછલીનો શિકાર કરે છે. આવીજ રીતે દંભી માણસો ઝાઝા દેખાડાં જરૂર કરે છે, કોઈને ગુરૂ બનાવે છે, પરંતુ તેઓ પોતાનો જન્મજાત સ્વભાવ છોડતાં નથી. પોતાનો મદ,અહંકાર કદી ત્યજતા નથી અને સાપ જેમ ડંખ મારે એમ લાગ મળતાં સામેની વ્યક્તિનું ગળું કાપતાં સ્હેજ પણ વિચાર કરતાં નથી. માણસે જ્ઞાની સાધુ સંતની સોબતમાં રહીને, પોતાનો સ્વભાવ અને જીવન એ પ્રમાણે બદલવું જોઈએ, કોઈને કનડતા કરતાં કોઈને મદદરૂપ થવાની ભાવના રાખવી જોઈએ. સારા અને સદ્દગુણી ગુરૂ પાસેથી જે કાંઈ જ્ઞાન પ્રાપ્ત થયું હોય તે અન્ય લોકોને વહેંચવું જોઈએ. જો તમે એક વ્યક્તિમાં પણ બદલાવ લાવી શકશો તો એ તમારી સિદ્ધિ ગણાશે. પરંતુ આ બધું પોથીમાંનાં રીંગણાં જેવું છે. જેમ પારસમણિના સ્પર્શતી લોખંડની તલવાર સોનાની બની જાય છે, પરંતુ એનો આકાર, એની ધાર અને કાપવાની છટામાં કોઈજ ફરક પડતો નથી. એવીજ રીતે સારા સંતના ચરણોમાં સ્થાન પામ્યાં પછી તે વ્યક્તિ લોકોમાં જાણીતો જરૂર બને છે, પરંતુ એ એની હલકી વૃત્તિઓ, અવગુણો કે બુરાઈઓને ત્યાગતો નથી, એ તો એનાં મનમાં છુપાઈને બેઠેલા જ છે. હકીકતમાં માનવજાતે આ બધું બદલવાની જરૂર છે. તુલસીદાસજી કહે છે કે કોઈપણ વ્યક્તિ ગમે તેવો ડોળ, દેખાવ કે આડંબર કરે, એકના એક દિવસે તો એની પોલ ખુલી જાય છે. આમ તલવારના ઉદાહરણ દ્વારા તુલસીદાસજીએ માનવજાતને પોતાનો સ્વભાવ બદલવાની ઝાંખી બતાવી છે.
 
યોગેશભાઈ આર જોશી