PSI અને LRDની ભરતી પ્રક્રિયા માટે જાહેર કરવામાં આવેલા અભ્યાસક્રમોમાં અનેક વિસંગતતા અંગે રાજ્યના મુખ્યમંત્રીને પત્ર લખતા ગુજરાત પ્રદેશ કોંગ્રેસ પ્રવક્તા ડો. મનીષ દોશીએ જણાવ્યું હતું કે, PSIની પ્રાથમિક કસોટીમાં પાર્ટ-Aમાં જ 100 માર્ક્સનું ગણિત અને રિઝનિંગ રાખવામાં આવ્યું છે. જેમાં પાસ થવા માટે 40 ટકા ગુણ લાવવા ફરજીયાત છે.
LRDની પ્રાથમિક કસોટીમાં પાર્ટ-Aમાં જ 60 માર્ક્સનું ગણિત અને રિઝનિંગ રાખવામાં આવ્યું છે. જેમાં પાસ થવા માટે 40 ટકા ગુણ લાવવા ફરજીયાત છે. ગણિત અને રિઝનિંગ વિષય ગુણભાર અંગે અન્ય સ્પર્ધાત્મક પરીક્ષાઓ કરતા અનેક વિસંગતતા જોવા મળી રહી છે.
“40% લાવવા જ તેવી કોઈ જોગવાઈ નથી”
વધુમાં જણાવ્યુ કે, નાયબ મામલતદારનું ફાઈનલ મેરિટ 4 વર્ણનાત્મક પેપરોના કુલ ગુણને લીધે નક્કી થાય છે. કોઈપણ પેપરમાં 40% લાવવા જ તેવી કોઈ જોગવાઈ નથી. પબ્લિક સર્વીસ કમીશન (PSC) વર્ગ 1-2માં ફાઈનલ મેરિટ 6 વર્ણનાત્મક પેપરો અને મૌખિકના કુલ માકર્સના આધારે થાય છે, કોઈપણ પેપરમાં 40% લાવવા જ તેવી કોઈ જોગવાઈ નથી. LRDના એક જ પેપરમાં ભાગ-A અને ભાગ-B બંનેમાં 40% ફરજિયાત લાવવાની જોગવાઈ કરી છે.
PSIની પરીક્ષામાં 40% લાવવા અયોગ્ય
પરીક્ષામાં પેપર-1માં પાર્ટ – Aમાં 40% અને પાર્ટ-Bમાં 40% ફરજિયાત લાવવાની જોગવાઈ છે. તેમજ પેપર-2માં પણ ફરજિયાત 40% લાવવાની જોગવાઈ કરવામાં આવી છે. કોન્સ્ટેબલ અને PSIની પરીક્ષામાં 40% ફરજિયાત લાવવાની જોગવાઈ બિલકુલ અન્યાય અને અયોગ્ય છે. PSI વર્ણનાત્મક (ગુજરાતી-અંગ્રેજી)પેપરમાં ટોપિકને ફાળવેલ માર્ક્સની બાબત સામે પ્રશ્નાર્થ છે.
ગુજરાતીમાં નિબંધ માટે 30 માર્ક્સ, પરીક્ષક તેની મરજી મુજબ વધારે કે ઓછા માર્ક્સ આપીને વિદ્યાર્થીઓને અન્યાયકર્તા બની શકે. ભાષાના બધાં જ પેપરો તે પછી નાયબ મામલતદાર હોય, જીપીએસસી 1-2નાં હોય કે UPSCના હોય તેમાં વ્યાકરણનાં હેતુલક્ષી પ્રશ્નો હોય છે જે, PSI પરીક્ષામાંથી કાઢી નાખવામાં આવ્યા છે.
કોઈને અન્યાય ન થાય તેવા તટસ્થ મૂલ્યાંકન માટે 70 માર્ક્સના ગુજરાતીના પેપરમાં નિબંધના 10થી વધુ માર્ક્સ ન હોવા જોઈએ. તેમજ તટસ્થ હેતુલક્ષી મૂલ્યાંકન માટે ભાષાના પેપરમાં વ્યાકરણના હેતુલક્ષી પ્રશ્નો હોવા જ જોઈએ.
નવા નિયમો પર મનિષ દોશી
પોલીસ કોન્સ્ટેબલ અને PSIની ભરતીના નવા નિયમો રાજ્યના વિદ્યાર્થીઓને અન્યાયકર્તા છે. દોડના માર્ક્સ કાઢી નાખવાથી પોલીસ દળમાં મજબૂત અને સશક્ત ઉમેદવારોની સંખ્યા ઘટશે. પોલીસ સબ ઈન્સ્પેક્ટર (PSI)ના ગુજરાતી-અંગ્રેજીના પેપરના તટસ્થ મૂલ્યાંકન પર પ્રતિકૂળ અસર ઉભી કરશે. શહેરી અને ગ્રામીણ વિસ્તારો વચ્ચે અસમાનતા ઊભા કરનારા છે.
રાજ્યના લાખો યુવાનો માટે સ્પર્ધાત્મક પરિક્ષામાં વિસંગતતા દુર કરીને દરેકને સમાન તક મળે તેવી માંગ ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિના મીડીયા કન્વીનર અને પ્રવક્તા ડો. મનિષ દોશીએ રાજ્યના મુખ્યમંત્રી સમક્ષ કરી છે.

